Site icon Revoi.in

સુરત: મોટા વરાછામાં નિર્માણાધીન ઇમારતની દીવાલ ધરાશાયી, 4 શ્રમિકોના મોતની આશંકા

Social Share

સુરત: સુરતમાં મોટા વરાછાના કેદાર હાઇટ્સમાં દીવાલ ધરાશાયી થવાની દુર્ઘટના ઘટી છે. દીવાલ ધરાશાયી થતા ત્યાં કામ કરતા 7 થી 8 શ્રમિકો દીવાલના કાટમાળ નીચે ફસાયા હતા. જેમાં શ્રમિકોના મોત નિપજ્યા હોવાની આશંકા સેવાઇ રહી છે. આ દુર્ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને રેસ્ક્યૂની કામગીરી હાથ ધરી હતી. જો કે હજુ પણ કેટલાક મજૂરો માટીના કાટમાળ નીચે દબાયેલા છે. જેઓને હાલ બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઇ છે.

પ્રાપ્ત થયેલી જાણકારી અનુસાર, વરાછા વિસ્તારમાં અબરામા રોડ પર સિલવાસા પેરેડાઇઝ નામની નવી ઇમારત બની રહી હતી, તેના અંડરગ્રાઉન્ડ પાર્કિંગની કામગીરી ચાલી રહી હતી. કામગીરી દરમિયાન ઇમારતની દીવાલનો ભાગ ધરાશાયી થયો હતો. આ વાતની જાણ થતા જ ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને બચાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કુલ 4 શ્રમિકોના મૃતદેહોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

ફાયર બ્રિગેડ ઉપરાંત મહાનગરપાલિકાના અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સૌથી પહેલા એક શ્રમિકને બહાર કાઢવામાં આવ્યો હતો જે મૃત હોવાનું જાણવા મળે છે. પહેલા માટી ઘસી પડી હતી અન બાદમાં એના ઉપર સિમેન્ટનો સ્લેબ પડતા 20 ફૂટ ઉંડા ખાડામાં મજૂરો દબાયા હતા.

(સંકેત)