Site icon Revoi.in

નવા વર્ષે અમદાવાદીઓ માટે ખુશખબર, સાબરમતી રિવરફ્રન્ટ પર વોટર રાઇડ્સનો પ્રારંભ

Social Share

અમદાવાદ: વર્ષ 2021નો શુભારંભ થયો છે. અમદાવાદીઓ માટે એક ખુશખબર છે. સાબરમતી રિવરફ્રન્ટ પર વોટર સ્પોર્ટ્સની સુવિધા ટ્રાયલ બેસિઝ પર શરૂ થઇ ગઇ છે. મોટી સંખ્યામાં શહેરીજનોએ તેમાં પણ ખાસ કરીને બાળકોએ નવા વર્ષના પ્રથમ દિવસે વોટર સ્પોર્ટ્સનો આનંદ માણ્યો હતો.

“હાલ જેટ સ્કી, હાઈસ્પીડ બોટ, કિડ્સ પેડલ બોટ અને ઝોર્બિંગની સુવિધા નાગરિકો માટે શરૂ કરાઈ છે. ટ્રાયલ 15 જાન્યુઆરી સુધી ચાલશે અને ત્યારબાદ વધુ સ્પોર્ટ્સ શરૂ કરવામાં આવશે”, તેમ વોટર સ્પોર્ટ્સની સુવિધા પૂરી પાડનારી કંપની એન્ટાર્ટિકા સીવર્લ્ડ (Entartica Seaworld)ના પદાધિકારીનું કહેવું છે. આ કંપનીને વોટર સ્પોર્ટ્સનું સંચાલન કરવા માટે એક વર્ષનો કોન્ટ્રાક્ટ અપાયો છે.

જો કે, આ રાઇડ્સની મજા લેવા આવતાં લોકોની એવી માગણી હોય છે કે, વોટર સ્પોર્ટ્સ દરમિયાન તેઓને તાજુ પાણી મળી રહે. એક મુલાકાતીએ કહ્યું હતું કે અગાઉ અહીંનું પાણી વધારે તાજું હતું માટે આ સુવિધાનું સંચાલન કરતા વ્યક્તિઓએ આ બાબત પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ.

કંપનીના પદાધિકારીએ કહ્યું, “પાણીનું સ્તર 7 ફીટ સુધી જાળવી રખાશે. આ સ્થળે કંપની એરેટર લગાવવાનું પણ વિચારી રહી છે.” એવા અહેવાલો પણ છે કે, મુલાકાતીઓ માટે વધુ કેટલીક સ્પીડબોટ્સ પણ રિવરફ્રન્ટ ખાતે લાવવામાં આવશે. AMCના અધિકારીઓનું કહેવું છે કે પાણીનું સ્તર સમસ્યા નહીં બની રહે કારણકે સરકારે રિવરફ્રન્ટથી સી-પ્લેન સેવા શરૂ કરી છે.

(સંકેત)