- ડૉ. બાબાસાહેબ આંબેડકર ઑપન યુનિવર્સિટી ખાતે જમ્મૂ કાશ્મીરમાં કલમ 370ની નાબૂદી પર નેશનલ સિમ્પોઝિયમ યોજાયો
- જમ્મુ-કાશ્મીર સ્ટડી સેન્ટરના ગુજરાત ચેપ્ટરના સહયોગથી આ નેશનલ સિમ્પોઝિયમનું આયોજન કરવામાં આવ્યું
- નવી પેઢીને એલએસી કે એલઓસી પાર પણ જે ભારત છે, તેનો પરિચય કરાવવો જરૂરી: આશુતોષ ભટનાગર
અમદાવાદ: જમ્મુ-કાશ્મીર અંગેની અસ્થાયી કલમ 370 હટાવાયાનાં બે વર્ષ નિમિત્તે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અને જમ્મુ-કાશ્મીર સ્ટડી સેન્ટરના ગુજરાત ચેપ્ટરના સંયુક્ત ઉપક્રમે બુધવારે 25 ઑગસ્ટ, 2021ના રોજ નેશનલ સિમ્પોઝિયમનું આયોજન કરાયું.
આ રાષ્ટ્રીય પરિસંવાદને સંબોધતાં જમ્મુ-કાશ્મીર સ્ટડી સેન્ટરના નેશનલ ડાયરેક્ટર આશુતોષ ભટનાગરે પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીર અને 370 કલમ સહિતની અનેક બાબતો અંગે અનેક અફવા-ભ્રમો ફેલાવામાં આવ્યા હતા. આ ભ્રમો દૂર કરવાના ઉદ્દેશથી જમ્મુ-કાશ્મીર સ્ટડી સેન્ટરની સ્થાપના કરવામાં આવી હતી. કાશ્મીરના મુદ્દે 50,000 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તો 7000થી વધારે જવાનોએ શહીદી વહોરવી પડી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દેવામાં આવી છે ત્યારે હવેના સંજોગોમાં આપણે કાશ્મીર અંગેની શબ્દાવલીઓ બદલવી પડશે. સ્પેશિયલ સ્ટેટસ કે અલગ બંધારણ હવે ભૂતકાળ બની ગયા છે. તેમણે જમ્મુ-કાશ્મીરના વિકાસ માટે સૌ કોઈને પોતાનાથી બનતા પ્રયાસો-સહયોગ કરવા આહ્વાન આપ્યું હતું તો અખંડ ભારતનો ઉલ્લેખ કરીને ભારપૂર્વક જણાવ્યું હતું કે એલએસી કે એલઓસી તો યુદ્ધથી રચાતી હોય છે અને ભૂંસાતી હોય છે ત્યારે નવી પેઢીને એલએસી કે એલઓસી પાર પણ જે ભારત છે, તેનો પરિચય કરાવવો જરૂરી છે.
ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનાં કુલપતિ પ્રો. અમી ઉપાધ્યાયે અધ્યક્ષીય પ્રવચનમાં જણાવ્યું કે BAOUમાં નવી રાષ્ટ્રીય નીતિ અંતર્ગત નવા નવા અભ્યાસક્રમો શરૂ કરવામાં આવી રહ્યા છે ત્યારે જમ્મુ-કાશ્મીરના ઇતિહાસ અને અન્ય પાસાંઓ અંગે નવો અભ્યાસક્રમ શરૂ કરવાનો પ્રસ્તાવ આવશે તો BAOU એ માટે તૈયાર છે. તેમણે વધુમાં જણાવ્યું કે કાશ્મીર માટે આપણને સૌને સુરક્ષાનો મુદ્દો હંમેશાં સતાવતો રહ્યો છે. એક ઘરમાં બે વ્યક્તિ માટે અલગ નિયમ ન હોય તો એક દેશમાં કોઈ પ્રદેશ માટે અલગ નિયમો કઈ રીતે હોઈ શકે? આઝાદી સાથે ભાગલા સહિતની વિભિષિકાઓને કારણે ભારત માતાના ચહેરા પર કરચલીઓ વધતી રહી છે. શું આપણે કરચલીઓને ગણતા રહીશું? ભવ્ય રાષ્ટ્રનિર્માણમાં આપણે કાશ્મીરને સાથે લઈને ચાલવાનું છે.
ઉદ્ઘાટન અને સમાપન સહિતના કુલ પાંચ સત્રમાં આયોજિત રાષ્ટ્રીય પરિસંવાદમાં જમ્મુ-કાશ્મીરની વર્તમાન પરિસ્થિતિ, ત્યાંના લોકોના પ્રતિભાવ, ત્યાં જોવા મળેલા પરિવર્તન, કાશ્મીરી લોકોમાં જોવા મળેલો ભારતપ્રેમ, આર્થિક વિકાસ, રાજકીય ગતિવિધિ સહિતના અનેક પાસાંઓ અંગેનો વિચાર-વિમર્શ મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યો હતો.
જેકેએસસીના એકેડેમિક ડાયરેક્ટર ડૉ. અજય શર્મા, ઓટીટી ઇન્ડિયાના સીઈઓ વિવેક ભટ્ટ, સુપ્રીમ કોર્ટના એડવોકેટ તથા જેકેએસસીના સેક્રેટરી સંજય ત્યાગી, નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરીના સભ્ય તથા BAOUના સંચાલક મંડળના સભ્ય કિશોર મકવાણા, લદાખ-જમ્મુ-કાશ્મીર ઇકોનોમિક ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ડાયલોગના ડાયરેક્ટર સુનિલ શાહ, જેકેએસસીના કારોબારીના સભ્ય દેવાંગભાઈ આચાર્ચ વગેરે મહાનુભાવોએ જમ્મુ-કાશ્મીરની ગ્રાઉન્ડ રિયાલિટી અંગે તથ્યો સાથે રજૂઆત કરી હતી.
નેશનલ સિમ્પોઝિયમમાં જમ્મુ-કાશ્મીર સ્ટડી સેન્ટરના માત્ર ગુજરાતના જ નહિ, પરંતુ રાષ્ટ્રીય સ્તરના હોદ્દેદારો-કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સંચાલક મંડળના સભ્યો વર્ષાબહેન દોશી, જયેશભાઈ વ્યાસ ઉપરાંત કુલસચિવ ડૉ. ભાવિનભાઈ ત્રિવેદી, એકેડેમિક ડાયરેક્ટર ડૉ. મહેશપ્રસાદ ત્રિવેદી સહિત યુનિવર્સિટીના તમામ નિયામકો તથા અધ્યાપકઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.