Site icon Revoi.in

શું કાલથી રાજ્યમાં લોકડાઉન લાગશે? આજે કોર કમિટીની બેઠકમાં કરાશે નિર્ણય

Social Share

ગાંધીનગર: રાજ્યના 29 શહેરોમાં આવતીકાલે કર્ફ્યૂની મુદ્દત પૂર્ણ થઇ રહી છે ત્યારે રાજ્યમાં કોરોના સંક્રમણને અંકુશમાં લાવવા માટે લોકડાઉન લાગશે કે નહીં તે અંગેનો નિર્ણય આજે કોર કમિટીની બેઠક દરમિયાન લેવામાં આવશે તેવું જૂનાગઢની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું. વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, લોકડાઉન કે પછી રાજ્યમાં નિયંત્રણો મુદ્દે આજે સાંજે બેઠકમાં ચર્ચા બાદ નિર્ણય લેવામાં આવશે. એટલે કે આજે રાજ્ય સરકારની જે બેઠક મળશે તેમાં મિની લોકડાઉનને લઇને ચર્ચા કરીને નિર્ણય લેવામાં આવશે.

ગુજરાતમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. બીજી તરફ સરકારી વ્યવસ્થા અને સ્વાસ્થ્ય સુવિધાઓની મકર તૂટી ગઇ છે. ઓક્સિજન અને બેડની અછત જોવા મળી રહી છે, લોકો સામેથી લોકડાઉનની માંગ કરી રહ્યા છે પરંતુ રૂપાણી સરકાર સંપૂર્ણ લોકડાઉન માટે તૈયાર નથી.

ગુજરાતમાં સંપૂર્ણ લોકડાઉન તો નહી લાગે પરંતુ એવી શક્યતા છે કે સરકાર લોકડાઉનના બદલે આંશિક પ્રતિબંધોને વધારે કડક બનાવે. અથવા તો રાજ્યના જે 29 શહેરોની અંદર કર્ફ્યૂ લાગુ છે તેની મુદ્દત વધારવામાં આવે. અન્ય સંભાવના એ પણ છે કે 29 શહેરો સાથે જયાં કર્ફ્યૂ નથી ને કોરોના કેસ વધ્યા છે તેવા અન્ય શહેરો પણ 29ની યાદી સાથે નવા ઉમેરાશે. મતલબ કે મિની લોકડાઉનની યાદીમાં અન્ય શહેરો પણ ઉમેરાય તેવી શક્યતા છે.

ગુજરાત હાઇકોર્ટમાં પણ કોરોના અંગેની સુઓમોટો અરજીની સુનાવણી ચાલી હતી. જેમાં પણ હાઇકોર્ટ અને અન્ય વકીલો દ્વારા સરકારની કામગીરી અને પ્લાન પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે.

(સંકેત)