Site icon Revoi.in

હવે શિક્ષક બનવા માટે ત્રિ-સ્તરીય પસંદગી પ્રક્રિયામાંથી પાસ થવું અનિવાર્ય

Social Share

ગાંધીનગર: ગુજરાતમાં હવે શિક્ષક બનવા માટે નવી પસંદગી પ્રક્રિયા આવી રહી છે. હવે શિક્ષક બનવા માટે ત્રિ-સ્તરીય પસંદગી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. જેમાં લેખિત કસોટી ઉપરાંત ઇન્ટરવ્યૂ તેમજ વર્ગખંડ પ્રક્રિયા નિદર્શનનો સમાવેશ થાય છે. રાજ્યમાં નવી શિક્ષણ નીતિના અમલને લઇને રચવામાં આવેલી ટાસ્ક ફોર્સની સમિતિએ સરકારને આ અંગે ભલામણ કરી છે. ઉપરાંત શિક્ષકોએ દર વર્ષે 50 કલાકનો તાલિમ કોર્સ પણ કરવાનો રહેશે.

નવી શિક્ષણ નીતિ અંતર્ગત પ્રાથમિકથી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી માટે સ્નાતક, અનુસ્નાતક કક્ષાના ગુણ તેમજ ટેટ-ટાટાના ગુણ સાથે ઉમેદવારની ત્રિ-સ્તરીય પસંદગી પ્રક્રિયા યોજવામાં આવશે. જેમાં વૈકલ્પિક પ્રશ્નો તેમજ વર્ણનાત્મક પ્રશ્નો ધરાવતી કસોટીઓ, ઇન્ટરવ્યૂ, તેમજ વર્ગખંડ પ્રક્રિયા નિદર્શનનો સમાવેશ કરવામાં આવશે. આ ઉપરાંત ત્રણેય સ્તરના ગુણ ઉમેરીને મેરિટ લિસ્ટ તૈયાર કરાશે.

નવી શિક્ષણ નીતિમાં રાજ્યના વંચિત વિસ્તારોમાં ઉચ્ચ ગુણવત્તાની શૈક્ષણિક તકો વધારવા માટે વિશેષ શિક્ષણ ઝોનની રચના તેમજ રાજ્યના વિશિષ્ટ પ્રતિભાશાળી અને હોશિયાર વિદ્યાર્થીઓની પ્રતિભાઓ અને રૂચિઓની ઓળખ અને કાળજી લેવા માટેની વ્યવસ્થાનું સૂચન પણ કરવામાં આવ્યું છે. જેથી કરીને રાજ્યમાં પ્રસ્તાવિત સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજકેટમાં આ બાબતોને આવરી લેવામાં આવેલી હોઈ ટાસ્ક ફોર્સના સભ્યો દ્વારા સર્વાનુમતે સંમતિ આપવામાં આવી છે.

રાજ્યમાં એક્સેલન્સ પ્રોજેક્ટ અંતર્ગત ધોરણ 6થી 12ના વિદ્યાર્થીઓને સમાવતી નિવાસી શાળાઓ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવે તેવી ભલામણ કરવામાં આવી છે. જેથી રાજ્યમાં સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત નિવાસી શાળાઓ શરૂ કરાશે. આ શાળાઓ 33 જિલ્લામાં શરૂ કરાશે, જેમાં એક સ્કૂલમાં 3 હજાર લેખે 33 જિલ્લામાં 1 લાખ બાળકોને સમાવવામાં આવશે.

(સંકેત)