હવે RTOના કામકાજ માટે રહો ચિંતામુક્ત, હવે તમે આધાર ઑથેન્ટિકેશનથી પણ ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યૂ કરાવી શકશો
- RTOના કેટલાક કામ માટે હવે ધક્કા નહીં ખાવા પડે
- હવે તમે તમારી રીતે જ ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યૂ કરાવી શકશો
- આ માટે સરકારે આધારકાર્ડ ઓથેન્ટિકેશન આધારિત કોન્ટેક્સલેસ સેવાઓ શરૂ કરી
અમદાવાદ: વાહનચાલક માટે ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યૂ કરાવવું, લર્નિંગ લાઇસન્સ મેળવવું સહિતની કામગીરી ખૂબ જ કંટાળાજનક હોય છે. આ માટે ક્યારેક તો RTOનો વારંવાર ધક્કા ખાવા પડે છે. એ ઉપરાંત દેશની મોટા ભાગની RTO ખાતે એજન્ટ રાજ ચાલતું હોવાથી તેમના પણ પૈસાની ચૂકવણી કરવી પડતી હોય છે.
જો કે, હવે આ ઝંઝટમાંથી મુક્તિ મળશે. ભારત સરકારના માર્ગ અને પરિવહન મંત્રાલયે ચોથી માર્ચના રોજ આધારકાર્ડ ઓથેન્ટિકેશન આધારિત કોન્ટેક્સલેસ સેવાઓ શરૂ કરી છે. જે અંતર્ગત હવેથી ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યૂ કરાવવા, ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાઇસન્સ, રજીસ્ટ્રેશન અરજી સહિતના કામો માટે RTO કચેરી ખાતે જવાની જરૂર નહીં રહે. આ માટે ઓળખ તરીકે આધારકાર્ડનો ઉપયોગ કરવામાં આવશે. આનાથી RTOના કામકાજમાં વધુ પારદર્શકતા આવશે તેમજ કામગીરી વધુ સરળ બનશે. તેનાથી અરજીકર્તા કોઇપણ એજન્ટ વગર પ્રત્યક્ષ જ કામ પૂર્ણ કરી શકશે.
મંત્રાલયે આ મુદ્દે પરિપત્ર બહાર પાડ્યું છે અને તેમાં કહ્યું છે કે, જો કોઇ વ્યક્તિ કોન્ટેક્ટલેસ સેવાનો લાભ લેવા માંગતી હોય તેણે આધાર ઓથેન્ટિકેશનમાંથી પસાર થવું પડશે. જે બાદમાં તેઓ મંત્રાલયના પોર્ટલ મારફતે વિવિધ કામ RTO કચેરીની મુલાકાત લીધા વગર જ કરી શકશે. પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, “આધાર કાર્ડ વ્યક્તિગત રીતે આપવામાં આવે છે. આથી જે લોકો આધાર એનરોલમેન્ટ આઈડી સ્લીપ આપશે તેમને વિવિધ કૉન્ટેક્ટલેસ સેવા આપવામાં આવશે.”
આધાર ઑથેન્ટિકેશન મારફતે દેશના નાગરિકો નીચેની સેવાનો લાભ RTOની મુલાકાત લીધા વગર એટલે કે કૉન્ટેક્ટલેસ ઉઠાવી શકશે:
1) લર્નિંગ લાઇસન્સ
2) ડ્રાઇવિંગ લાઇન્સ રિન્યૂ કરાવવું (ડ્રાઇવિંગ ટેસ્ટ જરૂરી ન હોય તેવા કેસમાં)
3) ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાઇસન્સ
4) ડ્રાઇવિંગ લાઇસન્સમાં સરનામું બદલવું અને સર્ટિફિકેટ રજિસ્ટ્રેશન
5) ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ
6) લાઇસન્સમાંથી વ્હીકલ ક્લાસ સરન્ડર કરવું
7) મોટર વ્હીકલ માટે ટેમ્પરરી રજિસ્ટ્રેશન અરજી
8) ફૂલ બોડી સાથેના મોટર વ્હીકલ માટે રજીસ્ટ્રેશન અરજી
9) ડુપ્લિકેટ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ માટે અરજી કરવી
10) રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ માટે NOCની અરજી
11) મોટર વ્હીકલના માલિકી હકમાં ફેરફાર માટેની નોટિસ
12) વાહનની માલિકીની ફેરબદલી માટે અરજી કરવી
13) રજીસ્ટ્રેશન સર્ટિફિકેટમાં સરનામું બદલવા માટે જાણ કરવી
14) માન્યતા પ્રાપ્ત ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટરમાં તાલિમની નોંધણી માટે અરજી કરવી
15) ડિપ્લોમેટિક ઑફિસરના વાહનની નોંધણી માટે અરજી કરવી
(સંકેત)