અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં વધુ એક ડ્રાઇવ થ્રુ RT-PCR ટેસ્ટ સેન્ટર શરૂ થશે
- અમદાવાદમાં કોરોના સંક્રમણની વિકટ સ્થિત
- બોડકદેવ વિસ્તારમાં ડ્રાઇવ થ્રુ RTPCR સેન્ટર શરૂ કરાશે
- તેનાથી ગાડીમાં બેઠા બેઠા જ લોકો RTPCR ટેસ્ટ કરાવી શકશે
અમદાવાદ: અમદાવાદમાં જ્યારે કોરોના સંક્રમણની સ્થિતિ વિકટ બની રહી છે ત્યારે શહેરમાં વધુ એક ડ્રાઇવ થ્રુ RTPCR ટેસ્ટ સેન્ટર શરૂ કરવામાં આવશે. કોરોના ટેસ્ટિંગમાં સરકાર નિષ્ફળ સાબિત થઇ હોવાનું ચિત્ર ઉભુ થઇ રહ્યું છે. તેવામાં હવે ખાનગી કંપનીઓને બાગડોર સોંપાઇ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના પશ્વિમ ઝોનમાં આવેલા બોડકદેવ વોર્ડમાં ડ્રાઇવ થ્રુ RTPCR સેન્ટર શરૂ કરવામાં આવશે. રાજપથ રંગોલી રોડ પાસે આવેલા પાર્કિંગ પ્લોટમાં RTPCR ટેસ્ટ કરવા માટે તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. ગાડીમાં જ બેઠા બેઠા સરળતાપૂર્વક અને ઝડપથી કોરોના ટેસ્ટ શહેરીજનો કરાવી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
RTPCR ટેસ્ટનો રિપોર્ટ વોટ્સએપના માધ્યમથી લોકોને પહોંચાડવામાં આવશે. ખાનગી લેબ સુપ્રાટેક તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી વધારે એક ડ્રાઇવ થ્રુ RTPCR સેન્ટર શરૂ થઇ રહ્યું છે.
નોંધનીય છે કે, કોર્પોરેશને પોતે લગાવેલા ટેન્ટમાં બપોર સુધીમાં ટેસ્ટિંગ કિટ ખાલી થઇ જાય છે. RTPCR રિપોર્ટના કોઇ ઠેકાણા નથી. તેવામાં લોકો હવે ખાનગી લેબના ભરોસે રહેવા માટે મજબૂર બન્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
(સંકેત)