- કોરોના મહામારીની બીજી લહેરને કારણે હવે પ્રવાસન ઉદ્યોગને પણ ફટકો
- રાજ્યના એકમાત્ર સાપુતારામાં દિવસે પણ કર્ફ્યૂ જેવો માહોલ
- અનેક નાના વેપારીઓને પોતાના ધંધા બંધ કરવા પડે તેવી નોબત
સાપુતારા: કોરોના વાયરસની ઝપેટમાં ગુજરાતનો પ્રવાસન ઉદ્યોગ પણ આવી ગયો છે ત્યારે પ્રવાસીઓથી ધમધમતા ગિરિમથક સાપુતારામાં સન્નાટો છવાઇ ગયો છે. રાજ્યના એકમાત્ર ગિરિમિથક એવા સાપુતારામાં દિવસે કર્ફ્યૂ જેવો માહોલ પ્રવર્તી રહ્યો છે. છેલ્લા એક વર્ષથી ખોટનો સામનો કરી રહેલા વેપારીઓ હવે કોરોનાની બીજી લહેરમાં પોતાના વેપાર-ધંધા સંકેલવાની તૈયારી કરી રહ્યા છે.
કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે ત્યારે તેને નિયંત્રિત કરવા રાજ્યના અનેક શહેરો તેમજ જીલ્લાઓમાં સ્વયંભૂ લોકડાઉન જેવી સ્થિતિ જોવા મળી રહી છે. લોકો હવે જાગૃત બનીને કોરોનાથી બચવા માટે ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. આવા સમયે હવે પડતા પર પાટું પડતા સાપુતારામાં કર્ફ્યૂ જેવો માહોલ સર્જાયો છે.
સાપુતારામાં જ્યાં દિવસ રાત પ્રવાસીઓની અવરજવર રહેતી હોય છે તેવા મહારાષ્ટ્રને અડીને આવેલા આ બોર્ડરવાળા સ્થળે છેલ્લા કેટલાક દિવસથી સન્નાટો છવાયો છે. બોટિંગ, પેરાગલાઇડિંગના સ્થળો સાથે અન્ય સ્થળો ખંડેર જેવા લાગી રહ્યા છે. તળાવમાં ઉભેલી નાવડીઓમાં કરોળિયાના જાળા લાગવા માંડ્યા છે.
ચા-નાસ્તાની લારી ચલાવીને ગુજરાન કરતા લોકો દિવસ દરમિયાન ગ્રાહકોની પ્રતિક્ષા કરતા રહે છે. જ્યાં પાર્કિંગ માટે પડાપડી થતી હોય છે તેવા પાર્કિંગના સ્થળો રમતના મેદાન જેવા લાગે છે. હોટલોના ડાઇનિંગ હોલમાં પિન-ડ્રોપ સાઇલન્સ જોવા મળે છે.
નોંધનીય છે કે, છેલ્લા 1 કે દોઢ વર્ષથી કોરોનાના કહેરને કારણે રાજ્યના પ્રવાસન ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. હોટેલ-રેસ્ટોરાંની સ્થિતિ પણ કફોડી બની છે અને અનેક હોટેલ-રેસ્ટોરાં હવે બંધ થવાને આરે આવ્યા છે.
(સંકેત)