Site icon Revoi.in

ગુજરાતનું ગૌરવ! વલસાડનાં યુવકની અમેરિકામાં પાયલોટ તરીકે પસંદગી, બનાવ્યો આ રેકોર્ડ

Social Share

સુરત: ગુજરાતના યુવાનો હવે વિશ્વ ફલક પર અનેક સિદ્વિઓ નોંધાવી રહ્યા છે અને ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે. ગુજરાતના વધુ એક યુવાને વિદેશની ધરતી પર સિદ્વિ પ્રાપ્ત કરીને ગુજરાતને ગૌરાવન્તિત કર્યું છે. ગુજરાતના વલસાડનો એક યુવાન અમેરિકામાં પાયલોટ તરીકે પસંદગી પામ્યો છે. વલસાડ નજીકના એક નાનકડા ગામ ગોરવાડાનાં અનાવિલ પરિવારનાં યુવાન સની તુષાર નાયકની અમેરિકામાં પાયલોટ તરીકે પસંદગી થઇ છે. સની નાયક માત્ર 22 વર્ષની વયે જ પાયલોટ બની ગયો હતો. તેણે માત્ર 1 વર્ષમાં જ 1 હજાર કિલોમીટર જેટલી મુસાફરી કરીને રેકોર્ડ બનાવ્યો છે.

હકીકતમાં, મુળ વલસાડના ગોરવાડા ગામના તુષાર નાયક અને શ્રદ્વા નાયકનો 22 વર્ષીય પુત્ર સની અમેરિકાની રિપબ્લીક એરવેઝમાં સહાયક પાયલોટ તરીકે જ નિમણૂંક થઇ પરંતુ સાથે સાથે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પણ પસંદગી થઇ છે. સની હાલ 65 પેસેન્જરને લઇ જતું ડબલ એન્જિનનું એમ્બરર 175 પ્લેન ઉડાવી રહ્યો છે. આગામી સમયમાં તે 2500 કલાક ઉડ્ડયન કર્યા બાદ કેપ્ટન બનશે. સનીની પાયલોટ તરીકે પસંદગી બાદ પ્રથમ ઉડાન પીટર્સબર્ગથી બોસ્ટન સુધી ભરી હતી.

આ સિદ્વિ અંગે સનીએ જણાવ્યું હતું કે હું 17 વર્ષનો હતો ત્યારે મને ટ્રાવેલિંગ કરવાનો શોખ હતો. જેથી મે પાયલોટ બનવા માટે ઇચ્છા વ્યક્ત કરતા મારા પરિવારે મને સપોર્ટ કર્યો અને તાલીમ અપાવવા માટેની તૈયારી દર્શાવી હતી. મે મારી હાઇસ્કૂલ અને કોલેજ સાથે પૂર્ણ કરી હતી. પહેલી નોકરીમાં હું 1 એન્જિનવાળું નાનું વિમાન ચલાવતો હતો. કોઇપણ મોટી એરલાઇનમાં જવા માટે 1000 કલાક વિમાન ચલાવેલું હોવું જરૂરી છે. આ પુર્ણ કર્યા બાદ બે એરલાઇનમાં ટ્રેનિંગ પુર્ણ કર્યા બાદ 65 પેસેન્જર લઇ જતુ ડબલ એન્જિન એમ્બેસેડર 175 ઉડાવ્યું હતું.

નોંધનીય છે કે સાંપ્રત સમયમાં ગુજરાતના યુવાનો અનેકવિધ ક્ષેત્રમાં કારકિર્દીમાં નવી ઉડાન ભરી રહ્યા છે અને વિશ્વમાં અનેક જગ્યાએ સેટ થઇને પોતાની નિપુણતા, સાહસ તેમજ આવડતથી ગુજરાત ઉપરાંત સમગ્ર ભારતનું નામ રોશન કરી રહ્યા છે.

(સંકેત)