Site icon Revoi.in

ગુજરાત યુનિવર્સિટીમાં કોમર્સ પ્રવેશમાં રજિસ્ટ્રેશન પૂર્ણ, 40,000 બેઠકો સામે 32238 વિદ્યાર્થીઓ નોંધાયા

Social Share

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લાવાયેલી ધો. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદ ગુજરાત યુનિવર્સિટીએ વિવિધ વિદ્યાશાખાઓમાં પ્રવેશ માટે  રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ઓનલાઈન શરૂ કરી હતી. તે હાલ હાલ પૂર્ણ થઇ ચુકી છે. તમામ કોર્સની મળીને અંદાજે 40 હજાર બેઠકોની સામે 32238 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવીને ફી ભરી દીધી છે. આમ, હાલની સ્થિતિમાં કુલ બેઠકોની સરખામણીમાં 8 હજાર ઓછુ રજિસ્ટ્રેશન થયું છે. હવે આગામી 4 જુલાઇના રોજ પ્રોવિઝનલ મેરિટલીસ્ટ જાહેર કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી કોમર્સ,બીબીએ-બીસીએ, એમબીએ-એમસીએ ઇન્ટિગ્રેટેડ કોર્સની અંદાજે 40 હજાર બેઠકો માટે છેલ્લા 10 દિવસથી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. રજિસ્ટ્રેશન કરવાની સમયમર્યાદા પૂર્ણ થઇ ચુકી છે પ્રવેશ સમિતિના આંકડા પ્રમાણે કવીક રજિસ્ટ્રેશનમાં 50720 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતુ. જેની સામે ફુલ રજિસ્ટ્રેશન શરૂ થયા બાદ 32238 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. અનામત કેટેગરી અથવા તો ઇડબલ્યુએસ કેટેગરીના વિદ્યાર્થીઓે વેરિફિકેશનની સૂચના આપી હોવાથી અત્યાર સુધીમાં 8914 વિદ્યાર્થીઓએ વેરિફિકેશનની કામગીરી પુરી કરી દીધી છે. મહત્વની વાત એ કે, યુનિવર્સિટી સાથે જોડાયેલી કોલેજમાં જેટલી બેઠકો ઉપલબ્ધ છે તેટલું રજિસ્ટ્રેશન પણ ચાલુ વર્ષે થયુ નથી.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ સેમેસ્ટરમાં પ્રવેશ માટે હાલમાં જેટલા વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે તે તમામ પ્રવેશ મેળવે તો પણ આઠ હજાર બેઠકો ખાલી પડે તેમ છે. દરવર્ષે રજિસ્ટ્રેશન કરાવનારા તમામ વિદ્યાર્થીઓ પૈકી ચારથી પાંચ હજાર વિદ્યાર્થીઓ પ્રવેશ લેતાં નથી. આ પ્રમાણે ગણતરી કરીએ તો ખાલી બેઠકોનો આંકડો 10 હજારથી વધે તેમ છે. જોકે, પ્રવેશ સમિતિના સભ્યો કહે છે ગતવર્ષ પ્રમાણે જ રજિસ્ટ્રેશન થયુ છે, હજુ પૂરક પરીક્ષામાં પાસ થયેલા 4થી 5 હજાર વિદ્યાર્થીઓને પણ ખાલી બેઠકો પર પ્રવેશ આપવામાં આવતો હોય છે. આ પ્રમાણે ગણતરી કરીએ તો સાતથી આઠ હજાર બેઠકો ખાલી પડે તેમ છે. યુનિવર્સિટીએ જાહેર કરેલા કાર્યક્રમ પ્રમાણે હવે 4 જુલાઇએ પ્રોવિઝનલ મેરિટલીસ્ટ અને 12મી જુલાઇએ ફાઇનલ મેરિટલીસ્ટ અને મોકરાઉન્ડનું પરિણામ જાહેર કરવામાં આવશે. પહેલા રાઉન્ડમાં 15મી જુલાઇએ કોલેજ ફાળવણી કરવાની જાહેરાત કરવામાં આવી છે.