અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોમર્સ, બીબીએ-બીસીએ સહિતની કોલેજોમાં પ્રવેશ માટે આખરે કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ આગામી 8મી સુધી રજિસ્ટ્રેશન કરાવીને સાથે સાથે ચોઇસ ફિલિંગ પણ કરી શકશે. જેના આધારે 10મીએ પ્રોવિઝનલ મેરિટલિસ્ટ જાહેર કરવામાં આવશે. અત્યાર સુધીમાં 50 હજારથી વધારે વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે રજિસ્ટ્રેશન કરાવી લીધું છે. રજિસ્ટ્રેશન કરાવનારા પૈકી 10 હજારથી વધુ પ્રવેશ લેતા નથી. આ પ્રમાણે ગણતરી કરતાં માસ પ્રમોશન પછી પણ ચાલુ વર્ષે પ્રવેશની કોઇ સમસ્યા ઉભી થાય તેમ નથી.
અમદાવાદ શહેરમાં બી.કોમ, બીબીએ-બીસીએ, એમએસસી-આઇ.ટી.,એમબીએ ઇન્ટીગ્રેટેડ સહિતના કોર્સમાં પ્રવેશ માટે પ્રક્રિયા શરૂ થાય તે માટે વિદ્યાર્થીઓ લાંબા સમયથી રાહ જોઇ રહ્યાં હતા. આખરે પ્રવેશ સમિતિ દ્વારા સત્તાવાર કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. આ કાર્યક્રમ જાહેર થાય તે પહેલા વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન કરવાની સૂચના આપવામાં આવી હતી. જેમાં અત્યાર સુધીમાં 50279 વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરાવી લીધું છે. સમિતિએ જાહેર કરેલા કાર્યક્રમ પ્રમાણે 10મીએ પ્રોવિઝનલ મેરિટલીસ્ટ જાહેર કરવામાં આવશે. 10મીથી 12મી સુધીમાં બે દિવસમાં વિદ્યાર્થીઓના મેરિટલીસ્ટમાં કોઇ ભૂલ હોય તો સુધારી શકશે.
આ જ દિવસોમાં મોકરાઉન્ડ માટે ચોઇસ ફિલિંગ પણ કરવાની રહેશે. 16મી સપ્ટેમ્બરે ફાઇનલ મેરિટલીસ્ટની સાથે સાથે મોક રાઉન્ડનું પરિણામ પણ સાંજે 5 વાગે જાહેર કરવામાં આવશે. 16મીથી 18મી સપ્ટેમ્બર દરમિયાન વિદ્યાર્થીઓએ પ્રથમ ફાઇનલ રાઉન્ડ માટે ચોઇસફિલિંગ કરવાની રહેશે. જેનું પરિણામ 22મી સપ્ટેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. 22મીથી 24મી દરમિયાન ઓનલાઇન ફી ભરીને પ્રવેશ કન્ફર્મ કરાવવાનો રહેશે. આ જ દિવસોમાં કોલેજમાં રિપોર્ટિંગ કરવાનું રહેશે. 26મી સપ્ટેમ્બરના રોજ પહેલા રાઉન્ડમાં ખાલી પડેલી બેઠકોની વિગતો જાહેર કરાશે. 27મીએ બીજા રાઉન્ડની કાર્યવાહી ક્યારથી શરૂ થશે તેની જાહેરાત કરાશે. પહેલા રાઉન્ડ બાદ શૈક્ષણિક સત્રનો 1લી ઓક્ટોબરથી પ્રારંભ કરાશે. પ્રવેશ સમિતિના સભ્યો કહે છે કે, હાલમાં સમિતિ પાસે બી.કોમ, બીબીએ સહિતના કોર્સની અંદાજે 41 હજારથી વધારે બેઠકો છે.