ધોરણ 10 પછીના ડિપ્લોમાના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે 15મી એપ્રિલથી રજિસ્ટ્રેશનનો પ્રારંભ થશે
અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાની ઉત્તરવહિઓના મૂલ્યાંકનનું કાર્ય હાલ ચાલી રહ્યું છે. આ વખતે પરિણામો વહેલા જાહેર કરી દેવાશે. ત્યારે ધો-10 પછીના ડિપ્લોમાં ઈજનેરીના અભ્યાસક્રમોમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ તેમજ ધોરણ 10 પછીના ડિપ્લોમા એન્જિનિયરિંગના બીજા વર્ષમાં સીધા પ્રવેશ માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયાનો 15 એપ્રિલથી પ્રારંભ થશે. ધોરણ 10ના પરિણામ અગાઉ વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવી શકશે. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ ધોરણ 10 બાદ નોકરી કરતા હોય તેવા વિદ્યાર્થીઓ વર્કિંગ પ્રોફેશનલ તરીકે ડિપ્લોમાના બીજા વર્ષમાં સીધો પ્રવેશ મેળવી શકશે.
ડિપ્લોમા એન્જિનિયરિંગ પ્રવેશ સમિતિના સૂત્રોના જણાવ્યા મુજબ ધોરણ 10 પછીના ડિપ્લોમાના ઈજનેરી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન-15 એપ્રિલથી 15 મે સુધી કરી શકાશે. અને પ્રોવિઝનલ મેરિટ લીસ્ટની જાહેરાત-23 મે રોજ કરાશે. જ્યારે ફાઇનલ મેરિટ લીસ્ટની જાહેરાત-30 મેના રોજ કરાશે. તેમજ વિદ્યાર્થીઓને કોલેજ પસંદગી અને તેમાં ફેરફાર કરવા માટે-31 મેથી 3 જૂન સુધીનો સમય અપાશે. પ્રથમ રાઉન્ડ માટે ફાળવણીની યાદી જાહેર-6 જુને કરાશે, અને ટ્યુશન ફી ઓનલાઈન તારીખ-6 જૂનથી 10 જૂન દરમિયાન ભરી શકાશે.
જ્યારે વર્કિંગ પ્રોફેશનલને ડિપ્લોમાના બીજા વર્ષમાં સીધો પ્રવેશ મેળવવા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન-20 એપ્રિલથી 15 મે સુધી કરી શકાશે. અને પ્રોવિઝનલ મેરિટ લીસ્ટની જાહેરાત-24 મે રોજ કરાશે. ફાઇનલ મેરિટ લીસ્ટની જાહેરાત-3 જુને કરાશે, અને બેઠક ફાળવણીની યાદી જાહેર-4 જૂને કરાશે. વર્કિંગ પ્રોફેશનલને ડિપ્લોમા એન્જિનિયરિંગના બીજા વર્ષમાં સીધા પ્રવેશ માટે ઓછામાં ઓછો એક વર્ષનો નોકરીનો અનુભવ ધરાવવો ફરજીયાત છે અને હાલ નોકરી ચાલુ હોવી જરૂરી છે. એઆઈસીટીઈના નિયમ મુજબ વિદ્યાર્થીઓ હાલ જે કંપનીમાં નોકરી કરી રહ્યા હોય તે કંપનીની 50 કિલોમીટરની ત્રિજ્યામાં આવેલી સંસ્થામાં તેમને પ્રવેશ મળી શકશે. રજિસ્ટ્રેશન માટે પણ વિદ્યાર્થીઓએ જે કોલેજમાં પ્રવેશ મેળવવો હોય તે કોલેજનો સંપર્ક કરવાનો રહેશે.