મગફળી, ડાંગર, મકાઇ, બાજરીના ટેકા ભાવે વેચાણ માટેની નોંધણીનો આજથી પ્રારંભ કરાયો
અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ મારફત લઘુતમ ટેકાના ભાવે મગફળી, ડાંગર, મકાઇ અને બાજરીની ખરીદી કરાશે. આ માટેની નોંધણી પ્રક્રિયાનો આજે 1લી ઓક્ટોબરથી પ્રારંભ કરાયો છે. ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છતા ખેડૂતો દ્વારા ગ્રામ્ય કક્ષાએ VCE દ્વારા તથા તાલુકા કક્ષાએ APMC ખાતે ઓનલાઇન નોંધણી કરાવી શકાશે. જે અંતર્ગત મગફળીની ખરીદી માટે આજે તા.1લી ઓક્ટોમ્બરથી નોંધણી શરૂ કરવામાં આવી છે જે તા.31મી, ઓક્ટોબર-2021 સુધી નોંધણી કરાવી શકાશે. જ્યારે ડાંગર, મકાઇ, બાજરી માટે 1લી, ઓક્ટોબરથી 16મી, ઓક્ટોબર સુધી નોંધણી કરાવી શકાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ મગફળી, મકાઈ,બાજરી, અને ડાંગરની ટેકાના ભાવે વેચવા માટે નોંધણી કરાવવા માટે જરૂરી પુરાવા તરીકે આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો 7-12, 8-અની નકલ, ગામ નમૂના-12માં પાક વાવણી અંગે એન્ટ્રી ન થઇ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના નામના બેન્ક ખાતાની વિગતમાં બેન્ક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડના મેનેજરે જણાવ્યું છે કે, મગફળી, ડાંગર, મકાઇ તથા બાજરી પકવતા ખેડૂતોએ લઘુતમ ટેકાના ભાવે પાકના વેચાણ માટે ઓનલાઇન નોંધણી ફરજિયાત હોઇ, આ માટે સંબંધિત ગ્રામ પંચાયત અને તાલુકા કક્ષાએ APMCનો સંપર્ક કરી નોંધણી કરાવવા જણાવાયું છે. નોંધણી બાબતે કોઇ મુશ્કેલી જણાય તો નિગમના હેલ્પલાઇન નંબર ઉપર સંપર્ક કરવો જરૂરી છે.