ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાની બીજી લહેર બાદ વેપાર-ધંધા ધમધમતા થતાં રિયર એસ્ટેટમાં પણ તેજી જોવા મળી હતી. જેના લીધે દસ્તાવેજ નોંધણીની આવક વધી હતી. રાજ્યમાં દસ્તાવેજ નોંધણીની સરકારને મોટી આવક થઈ રહી છે. માત્ર ગાંધીનગર જિલ્લામાંથી સરકારને 3 વર્ષમાં 1572 કરોડથી વધુની આવક થઈ હતી. ચારેય તાલુકાની સબ રજિસ્ટ્રાર કચેરીમાં 3 વર્ષમાં કુલ 1,69,987 દસ્તાવેજની નોંધણી થઈ હતી, જેમાં ગાંધીનગર તાલુકામાં સૌથી વધુ અંદાજે 1,03,377 દસ્તાવેજની નોંધણી થઈ હતી. માત્ર આ એક જ તાલુકામાંથી સ્ટેમ્પ ડ્યુટીની 888 કરોડથી વધુ જ્યારે નોંધણી ફી પેટે 159 કરોડથી વધુની આવક થઈ હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારને વિવિધ દસ્તાવેજી લઈને સ્ટેમ્પડ્યુટીની આવક પણ વધી રહી છે. રાજ્યમાં મોર્ગેજ, બાનાખત, માલિકી ફેરખત, મુખત્યાર રદ, કરાર, નોટિસનું રદીકરણ, મુખ્યત્યારનામું, વીલનું રદીકરણ, બિન અવેજી વેચાણ, વિકાસ કરાર, વેચાણ, ભાગીદારી લેખ, માલિકી ફેરખત-વેચાણ, છૂટાછેડા, ભાડાપટ્ટો, ભાગીદારી લેખ, ગીરો મૂકેલી મિલકતનું ફેરખત, કબજા વગર બાનાખત વગેરે મળી કુલ 70 જેટલા પ્રકારના દસ્તાવેજની નોંધણી થાય છે. ગાંધીનગર જિલ્લામાં 3 વર્ષના આંકડા જોઈએ તો વર્ષ 2019માં જિલ્લામાં 52971 દસ્તાવેજ નોંધાયા હતા, જેમાંથી સરકારને સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીની 529 કરોડથી વધુની આવક થઈ હતી.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લામાં વર્ષ 2020માં કોરોના ઈફેક્ટને પગલે લોકડાઉન, કચેરીઓ બંધ રહેવા સહિતનાં કારણોને પગલે નોંધણીમાં 14.67 ટકાના ઘટાડા સાથે 45203 દસ્તાવેજ નોંધાયા હતા, જે 2019 કરતાં વર્ષ 2020માં 7768 નોંધણી ઓછી થઈ હતી. વર્ષ 2020માં પણ લોકડાઉન ખૂલ્યા બાદ જૂન-જુલાઈથી દસ્તાવેજ નોંધણીમાં ધસારો થયો હતો, જેને પગલે ગાંધીનગર સહિત રાજ્યની 15 સબ રજિસ્ટ્રાર કચેરીને રાત્રે 9 વાગ્યા ચાલુ રાખી દસ્તાવેજોની નોંધણી કરાઈ હતી. 2021માં બીજી લહેરના સમયગાળાને બાદ કરતાં દસ્તાવેજ નોંધણીમાં ભારે ધસારો રહ્યો હતો, જેને પગલે 2020ની સ્થિતિએ દસ્તાવેજ નોંધણીમાં વર્ષ 2021માં 37.06 ટકાનો વધારો નોંધાયો હતો.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગાંધીનગર જિલ્લામાં 2020ની સ્થિતિએ 2021માં 26610 દસ્તાવેજ વધુ નોંધાયા હતા. વર્ષ 2019ની સ્થિતિએ આ દસ્તાવેજો 18842 વધુ છે. આ વકની વાત કરીએ તો વર્ષ 2019ની સ્થિતિએ વર્ષ 2020માં 149 કરોડથી વધુની આવક ઘટી હતી. એટલે કે 28.25 ટકાનો ઘટાડો થયો હતો. 2020 કરતાં 2021માં દસ્તાવેજ નોંધણીમાં 15 હજારનો વધારો થયો હતો. ગાંધીનગર તાલુકામાં 2019માં 32214 દસ્તાવેજની નોંધણી થઈ હતી. 2020માં કોરોનાને પગલે ઘટાડા સાથે 27989 દસ્તાવેજ નોંધાયા હતા, જે 2019 કરતાં 4225 ઓછા હતા. 2021ના વર્ષમાં જ 43174 જેટલા દસ્તાવેજો નોંધાયા હતા. જે 2020 કરતાં 15185 વધુ છે.