ગાંધીનગરઃ ગુજરાતમાં કેન્દ્રિય કાયદા મુજબ તમામ ખાનગી ક્લિનિક અને હોસ્પિટલોનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. તેથી ગાંધીનગર જિલ્લામાં ખાનગી ક્લિનિક અને હોસ્પિટલોનું રજીસ્ટ્રેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. જિલ્લામાં 1200 જેટલી ખાનગી ક્લિનિકો અને ખાનગી હોસ્પિટલો હોવાનો અંદાજ છે.
કેન્દ્ર સરકાર દ્વારા ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ કાયદો બનાવવામાં આવ્યો છે. જેમાં ખાનગી ક્લિનિક કે હોસ્પિટલનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. જેમાં એક બેડ પણ હોય તો પણ તે તેવી હોસ્પિટલનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરવાનું હોય છે. ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટરની અમલવારી રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ગાંધીનગર જિલ્લા કલેકટર દ્વારા ખાસ કમિટી બનાવીને જિલ્લામાં આવેલી અંદાજે 1200 જેટલા ખાનગી ક્લિનિક અને ખાનગી હોસ્પિટલોનું રજીસ્ટ્રેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેના માટે બનાવવામાં આવેલી કમીટીમાં જિલ્લા અધ્યક્ષ તરીકે કલેક્ટર બાદ સીડીએમઓ, સીડીએચઓ, સિવિલ હોસ્પિટલના અધિક્ષક સહિતનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ખાનગી હોસ્પિટલોનું રજીસ્ટ્રેશન કરવા માટે બીયુ પરમિશન લિફ્ટ લાઇસન્સ, ફાયર એનઓસી, જીપીસીબી દ્વારા આપવામાં આવેલું બાયોમેડિકલ વેસ્ટ સર્ટિફિકેટ, એટોમી એનર્જી રેગ્યુલેશન બોર્ડ દ્વારા રેડિયોલોજીનું પ્રમાણપત્ર, ડ્રગ અને કોસ્મેટિક કાયદા મુજબ સર્ટી મેળવેલું હોવું જોઈએ. આ નિયમો કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવ્યા છે. આ તમામ નિયમોનું પાલન કરવામાં આવતું હોય તેવા ખાનગી ક્લિનિક અને હોસ્પિટલનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે. ખાનગી હોસ્પિટલના અને ક્લિનિકના રજીસ્ટ્રેશન માટે પ્રથમ તબક્કામાં પ્રોવિઝનલ રજીસ્ટ્રેશન કરાશે. ત્યારબાદ કમિટી દ્વારા તપાસ કરીને કાયમી રજીસ્ટ્રેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. જોકે ખાનગી ક્લિનિક અને હોસ્પિટલના તબીબોને તેમજ સંચાલકોને ફરજિયાત રજિસ્ટ્રેશન અંગેની જાણકારી મળી રહે તે માટે બીજી ઓગસ્ટના રોજ બેઠક કરીને જાણકારી આપવામાં આવશે.
ગુજરાતમાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ કાયદા અંતર્ગત ખાનગી ક્લિનિક અને હોસ્પિટલના ફરજિયાત રજીસ્ટ્રેશનના નિયમની અમલવારી શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે ગાંધીનગર જિલ્લામાંથી અત્યાર સુધી 19 ખાનગી ક્લિનિક અને હોસ્પિટલોના સંચાલકો દ્વારા રજીસ્ટ્રેશન માટે અરજી કરવામાં આવી છે. જોકે આ અરજીના આધારે નિયત કરેલા નિયમોની તપાસ કર્યા બાદ પ્રોવિઝનલ રજીસ્ટ્રેશનની મંજૂરી અપાશે. ત્યારબાદ કમિટી દ્વારા સ્થળ તપાસ કરીને કાયમી રજીસ્ટ્રેશનની કામગીરી હાથ ધરવામાં આવશે.