દિલ્હી:શેરબજારના પીઢ રોકાણકાર અને બિગ બુલ તરીકે ઓળખાતા દિવંગત રાકેશ ઝુનઝુનવાલાના પત્ની રેખા ઝુનઝુનવાલાએ ફોર્બ્સ ઈન્ડિયા રિચ લિસ્ટ 2022માં પોતાની મજબૂત હાજરી નોંધાવી છે.લિસ્ટમાં એન્ટ્રી લેતા તે દેશના અબજોપતિઓમાં સામેલ થઈ ગઈ છે.ફોર્બ્સે તેમને દેશના 30મા સૌથી અમીર વ્યક્તિ તરીકે જાહેર કર્યા છે.
રેખા ઝુનઝુનવાલાએ ફોર્બ્સ ઈન્ડિયા રિચ લિસ્ટ-2022માં પતિ રાકેશ ઝુનઝુનવાલાના મૃત્યુના થોડા મહિના પછી જ આ સ્થાન હાંસલ કર્યું હતું.રિપોર્ટ અનુસાર, 59 વર્ષીય રેખા ઝુનઝુનવાલાની નેટવર્થ 5.9 અરબ ડોલર અથવા 47,650.76 કરોડ રૂપિયા છે. ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં ટાઇટન, સ્ટાર હેલ્થ અને એલાઇડ ઇન્સ્યોરન્સ અને મેટ્રો બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે.
રિપોર્ટ અનુસાર, દિગ્ગજ રોકાણકાર સ્વર્ગસ્થ રાકેશ ઝુનઝુનવાલા વર્ષ 2021 ફોર્બ્સની અમીરોની લિસ્ટમાં 5.5 અરબ ડોલરની નેટવર્થ સાથે દેશના અબજોપતિઓની યાદીમાં 36મા ક્રમે હતા. જો કે, હવે જાહેર થયેલી 2022ની લિસ્ટમાં રાકેશ ઝુનઝુનવાલાને બદલે તેની પત્ની રેખા ઝુનઝુનવાલાનું આ લિસ્ટમાં નામ સામેલ થયું છે.36મા સ્થાનને બદલે તે દેશની 30મી સૌથી અમીર વ્યક્તિ બની ગઈ છે.