Site icon Revoi.in

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના સંબંધીઓ હેલ્પ લાઈન નંબર પરથી મેળવી શકશે સ્વજનના આરોગ્યની માહિતી

Social Share

અમદાવાદઃ શહેરની અસારવા વિસ્તારમાં આવેલી અને એશિયાની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને સારવાર માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોના ડેડિકેટેડ 1200 બેડ હોસ્પિટલમાં કાર્યરત છે. દર્દીઓ કે તેમના સગાઓ માટે માહિતી મળી રહે તે માટે હોસ્પિટલ દ્વારા હેલ્પ લાઈન શરૂ કરવામાં આવી છે, હેલ્પ લાઇન નંબર 94097-66908 / 94097-76264 ઉપર 24 કલાક સંપર્ક કરીને દર્દીના સ્વાસ્થ્ય સંલગ્ન તમામ માહિતી મેળવી શકાય છે, આ ઉપરાત ડોમમાં કાર્યરત હેલ્પ ડેસ્કમાં કોરોનાની સારવાર મેળવી રહેલા દર્દી સાથે તેમના સગાને વીડિયો-ઓડિયો કોલિંગ દ્વારા વાતચીત પણ કરાવવામાં આવે છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીની સાથે સાથે તેમના સગાઓની ચિંતાને ધ્યાનમાં રાખી 1200 બેડ હોસ્પિટલ પાસે હેલ્પ ડેસ્ક સેવા કાર્યરત કરવામાં આવી છે. સિવિલ મેડિસીટીમાં આવેલી કોરોના ડેડિકેટેડ 1200 બેડ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે સિવિલ તંત્ર દ્વારા સુચારૂ વ્યવસ્થાપન કરવામાં આવ્યું છે.

કોરોનાગ્રસ્ત દર્દીઓને લઈને ચિંતિત તેમના સ્વજનો દર્દી સાથે વાતચીત કરી શકે તે માટે હેલ્પ ડેસ્કમાં દર્દીના સગાને વીડિયો કોલિંગ અને ઓડિયો કોલિંગના મારફતે સવારે 9 થી સાંજના 6 વાગ્યા સુધી કોરોના વોર્ડમાં સારવાર મેળવી રહેલા દર્દી સાથે વાત કરાવવામાં આવે છે. સવારે 8 થી 12 વાગ્યા સુધીમાં કોરોના વોર્ડમાં સારવાર મેળવી રહેલા દર્દી માટે સામાન જેવા કે કપડા, સૂકો નાસ્તો વગેરે પહોંચાડવા ઇચ્છુક દર્દીના સગાઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

આ સમયગાળા દરમિયાન આ તમામ પ્રકારના સામાન સ્વીકારવામાં આવે છે. આ ઉપરામત ડોમમાં કાર્યરત હેલ્પ ડેસ્કમાં હેલ્પલાઇન નંબર 94097-66908 / 94097-76264 પર સંપર્ક કરીને સારવાર મેળવી રહેલા દર્દીની સ્વાસ્થય સ્થિતિ અંગેની સંપૂર્ણ માહિતી સરળતાથી મળી રહે તે માટેની વ્યવસ્થા અમદાવાદ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા કરવામાં આવી છે. આમ, સિવિલ હોસ્પિટલના વહીવટીતંત્ર એ માત્ર દર્દીઓની જ નહીં, તેમના સ્વજનોની માનસિક જરૂરિયાતોને પણ ધ્યાનમાં રાખી આયોજન કર્યું છે.