અમદાવાદઃ ગુજરાતમાં સરકાર અને વિવિધ સંગઠનોના પ્રયાસોને પગલે અંગદાનના કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. જાણીતા લેખક મકરંદ જોશીએ લોકોમાં અંગદાનને લઈને જાગૃતિ ફેલાય અને જરૂરિયાતમંદ લોકોને નવજીવન મળી રહે તે માટે અંગ અર્પણ એ જ સાચુ તર્પણ ભાગ-2 નામનું પુસ્તક લખ્યું છે. આ પુસ્તકનું ભાજપના પ્રદેશ પ્રમુખ અને લોકસભાના સભ્ય સી.આર.પાટીલના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.
પુસ્તકનું વિમોચન કરતા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, આ પુસ્તકને શબ્દોમાં કંડારનાર મકરંદ જોશીએ લેખાનકર લખ્યું છે. આ પુસ્તકને કારણે અંગદાનને લઈને અનેક લોકોને પ્રેરણા મળશે. ભવિષ્યમાં જો કોઈ બ્રેઈનડેડના કિસ્સા આવે ત્યારે તેમના પરિવારજનોને અંગદાન માટે પ્રરણા મળવાની સાથે જરૂરિયાતમંદ દર્દીને નવજીવન મળશે.
રાજ્યામાં સરકાર અને વિવિધ સ્વૈચ્છીક સંગટનો દ્વારા અંગદાનને લઈને લોકોમાં જાગૃતિ ફેલાય તે માટે વિવિધ પ્લેટફોર્મ મારફતે કામગીરી કરવામાં આવી રહી છે. જેના પરિણામ સ્વરૂપ લોકો પણ મોટી સંખ્યામાં અંગદાન અને દેહદાન કરવા માટે આગળ આવી રહ્યાં છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં છ મહિનામાં 32 જેટલા બ્રેઈનડેડ દર્દીઓના 100થી વધારે અંગનું દાન મળ્યું હતું. એટલું જ નહીં અંગદાન મામલે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ છે. મે મહિનામાં 58 અંગનું દાન મળ્યું હતું. 58 અંગોમાં કિડની- 34,લીવર – 18,હ્રદય – 3, ફેફસાની અને હાથની એક-એક જોડ, અને નાના આંતરડાનો સમાવેશ થાય છે. હોસ્પિટલમાં બ્રેઈનડેડ દર્દીઓના પરિવારજનોને હોસ્પિટલતંત્ર દ્વારા અંગદાન અંગે સમજાવવામાં આવે છે.