Site icon Revoi.in

‘ડેમોક્રેસી ઈન એક્શન : એ કેસબૂક ઑન ઈન્ડિયન ઈલેક્શન્સ’નું રાજ્યપાલના હસ્તે વિમોચન

Social Share

અમદાવાદઃ ‘ડેમોક્રેસી ઈન એક્શન : એ કેસબૂક ઑન ઈન્ડિયન ઈલેક્શન્સ’ પુસ્તકનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના વરદ હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. રાજ્ય ચૂંટણી કમિશનર સંજય પ્રસાદ, ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીના ડાયરેક્ટર પ્રોફેસર ડૉ. એસ. શાંતાકુમાર, આસિસ્ટન્ટ પ્રોફેસર અનામિકા શુક્લ અને અભિલાષ અરુણ સપ્રે  લિખિત આ અંગ્રેજી પુસ્તકમાં ચૂંટણી પ્રક્રિયા સંદર્ભે થયેલા કેસો અને ભારતની સર્વોચ્ચ અદાલતે આપેલા આખરી ચુકાદાનું વિગતવાર વિવરણ છે. આ પુસ્તકમાં મે-2024 સુધીના 122 જેટલા મહત્વના કેસોનું અભ્યાસ પૂર્ણ આલેખન છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લેખકોને અભિનંદન આપતાં આ અવસરે કહ્યું કે, ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ઊભા થતા પ્રશ્નોના નિરાકરણ માટે આ પુસ્તક પ્રમાણિત દસ્તાવેજ બની રહેશે. ચૂંટણી તંત્ર દ્વારા સત્યતાના આધારે ત્વરિત અને યથાર્થ નિર્ણય લેવાતા હોય છે, ત્યારે આ પુસ્તક સંદર્ભ ગ્રંથ તરીકે સંલગ્ન અધિકારીઓને નિર્ણય લેવામાં ખૂબ જ મદદરૂપ થશે. તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટના ચૂંટણી કેસો પરના મહત્વના જજમેન્ટ વકીલોને અને કાયદાનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ ઉપયોગી થશે. રાજભવનમાં આ પુસ્તકના વિમોચન અવસરે લેખકો સાથે રાજ્યપાલશ્રીના અગ્ર સચિવ શ્રી અશોક શર્મા અને રાજ્યના અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.