Site icon Revoi.in

બાળકો ઉપર સશ્સત્ર સંઘર્ષની અસર પરના સંયુક્ત રાષ્ટ્રના અહેવાલમાં ભારતને રાહત

Social Share

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ‘બાળકો પર સશસ્ત્ર સંઘર્ષની અસર’ રિપોર્ટમાંથી ભારતનું નામ હટાવી દીધું છે. એન્ટોનિયો ગુટેરેસનું કહેવું છે કે, ભારતે આ દિશામાં ઘણા પગલાં લીધા છે, જેના પછી ત્યાંની સ્થિતિમાં સુધારો થયો છે. ગયા વર્ષે એન્ટોનિયો ગુટેરેસે પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે ભારત સરકાર અને તેમના વિશેષ પ્રતિનિધિ વચ્ચે વાતચીત ચાલી રહી છે અને રિપોર્ટમાંથી ભારતનું નામ હટાવવામાં આવી શકે છે.

‘બાળકો પર સશસ્ત્ર સંઘર્ષની અસર’ પરના 2023ના અહેવાલમાં, ગુટેરેસે લખ્યું છે કે ‘બાળકોની સુરક્ષા માટે ભારત સરકાર દ્વારા લેવામાં આવેલા ઘણા મહત્વપૂર્ણ પગલાઓને કારણે 2023ના રિપોર્ટમાંથી ભારતનું નામ હટાવી દેવામાં આવ્યું છે’. યુએનના વિશેષ પ્રતિનિધિએ જુલાઈ 2022માં બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જ્યાં કામ કરવાનું હતું તે વિસ્તારોની ઓળખ કરી હતી. જેથી ભારત સરકાર સાથે ગયા વર્ષે નવેમ્બરમાં જમ્મુ-કાશ્મીરમાં વર્કશોપનું આયોજન પણ કરાયું હતું.

તાજેતરના અહેવાલમાં ગુટેરેસે કહ્યું છે કે ભારતે વિશેષ પ્રતિનિધિના સૂચન પર ઘણા પગલાં લીધા છે. આમાં બાળકોની સુરક્ષા માટે સુરક્ષા દળોને તાલીમ, બાળકો પર ઘાતક અથવા બિન-ઘાતક બળનો ઉપયોગ, પેલેટ ગનના ઉપયોગ પર પ્રતિબંધ, બાળકોની અટકાયત પર પ્રતિબંધ જેવા પગલાનો સમાવેશ થાય છે. આ સિવાય જુવેનાઈલ જસ્ટિસ એક્ટ અને પોક્સો એક્ટના અમલીકરણ જેવા પગલાં સામેલ છે.

સંયુક્ત રાષ્ટ્રના વિશેષ પ્રતિનિધિ વર્જીનિયા ગામ્બાએ કહ્યું કે, તેઓ છેલ્લા બે વર્ષથી ભારત સરકાર સાથે મળીને કામ કરી રહ્યા છે. કલમ 370 હટાવવાની જમ્મુ-કાશ્મીરમાં પણ મોટી અસર પડી છે. આનાથી રાજ્યમાં વિરોધ પ્રદર્શનો અટકી ગયા છે, જેના કારણે હિંસાની ઘટનાઓ અટકી છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવે પણ ભારત સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંની પ્રશંસા કરી છે અને કહ્યું છે કે, છત્તીસગઢ, આસામ, ઝારખંડ, ઓડિશા અને જમ્મુ-કાશ્મીરમાં આ દિશામાં ઘણું કામ કરવામાં આવ્યું છે. ગુટેરેસે જમ્મુ અને કાશ્મીરમાં બાળ અધિકારોના સંરક્ષણ માટે જમ્મુ અને કાશ્મીર કમિશનની રચના પર પણ સંતોષ વ્યક્ત કર્યો હતો.