- BMCને બોમ્બે હાઈકોર્ટનો મોટો ઝટકો
- ગેરકાયદે બાંધકામના કેસમાં સોનુ સૂદને મળી રાહત
- બોમ્બે હાઇકોર્ટે 13 જાન્યુઆરી સુધી કાર્યવાહી પર પ્રતિબંધ
મુંબઈ: બોલિવુડ એક્ટર સોનુ સૂદને મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી. બીએમસીએ એક્ટરને ઉપનગર જુહુ સ્થિત તેના રહેણાંક મકાનમાં પરવાનગી વિના ગેરકાયદેસર ફેરફાર કરવા બદલ નોટિસ ફટકારી હતી. જેના માટે એકટર બોમ્બે હાઇકોર્ટ તરફ વળ્યા હતા. હવે બોમ્બે હાઈકોર્ટે આ મામલે એક્ટરને મોટી રાહત આપી છે. હાઈકોર્ટે બીએમસીને 13 જાન્યુઆરી સુધી કોઇ કાર્યવાહી નહીં કરવા સૂચના આપી છે.
બીએમસીના નોટિસને સોનુ સૂદે બોમ્બે હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જેના પર તેને કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. સોનુ સૂદે પોતાની અરજીમાં કહ્યું હતું કે, તેમણે પોતાની છ માળની શક્તિસાગર બિલ્ડિંગમાં કોઈ ગેરકાયદેસર કે અનાધિકૃત નિર્માણ કર્યું નથી. બિલ્ડિંગમાં ફક્ત તે જ બદલાવ કરવામાં આવ્યા છે. જે મહારાષ્ટ્ર રિજનલ અને ટાઉન પ્લાનિંગ એક્ટ હેઠળની પરવાનગી છે.
બીએમસી તરફથી સોનુ સૂદને 6 ઓક્ટોબર 2020ના રોજ નોટિસ ફટકારવામાં આવી હતી. જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે, સોનુ સૂદે પરવાનગી વગર રહેણાંક મકાનને હોટલમાં રૂપાંતરિત કરી દીધું છે. આ અંગે એફઆઈઆર નોંધવાની માંગ પણ કરવામાં આવી હતી. બીએમસીની સૂચના બાદ સોનુ સૂદે સિવિલ કોર્ટ તરફ વળ્યા હતા, પરંતુ અહીંથી તેમને કોઈ રાહત મળી ન હતી. જે બાદ તેઓ બોમ્બે હાઈકોર્ટ તરફ વળ્યા હતા.
-દેવાંશી