નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો છે. 24 કલાકમાં પોઝિટિવ કેસનો આંકડો 50 હજારની આસપાસ રહ્યો છે. જેની સામે ત્રણ ગણા એટલે કે 1.37 લાખ જેટલા દર્દીઓએ કોરોનાને મહાત આપી છે. જ્યારે અત્યાર સુધીમાં કોરોનાની રસીના 172.29 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યાં છે.
સત્તાવાર આંકડા અનુસાર દેશમાં હાલ લગભગ 6.10 લાખ જેટલા એક્ટિવ કેસ છે. જ્યારે આમ સક્રિય કેસનો દર 1.43 ટકા જેટલો રહ્યો છે. જ્યારે રિકવરી રેટ વધીને 97.37 ટકા જેટલો થયો છે. 24 કલાકમાં 1.37 કરોડ લોકોએ કોરોનાને મહાત આપી છે. આમ અત્યાર સુધીમાં કોરોનાના 4.15 કરોડ જેટલા દર્દીઓ સાજા થયાં છે. બીજી તરફ 50407 જેટલા પોઝિટિવ કેસ નોંધાયાં છે. દૈનિક એક્ટિવ કેસનો દર 3.48 ટકા જેટલો છે. જ્યારે સાપ્તાહિક સક્રિય કેસનો દર 5.07 ટકા જેટલો છે. દેશમાં કોરોનાના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે ટેસ્ટીંગમાં વધારો કરવામાં આવ્યો છે. 24 કલાકમાં 14.51 લાખ જેટલા ટેસ્ટ કરવામાં આવ્યાં છે. આમ અત્યાર સુધીમાં કોરોનાના અત્યાર સુધીમાં 75 કરોડ જેટલા ટેસ્ટ કરવામાં આવ્યાં છે.
દેશમાં કોરોના વાયરસની ત્રીજી લહેર હવે સમી ગઈ હોય તેમ લાગી રહ્યું છે. દેશમાં છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસમાં સતત ઘટાડો થતા આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો છે. જો કે, કોરોના હજુ સુધી ગયો નહીં હોવાથી સરકાર દ્વારા લોકોને સતત કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે.