Site icon Revoi.in

ગુજરાતમાં રક્ષાબંધન પર્વને લીધે એસટી નિગમ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવાતા રાહત

Social Share

અમદાવાદઃ રક્ષાબંધનના પર્વને લીધે એસટી નિગમ દ્વારા એક્સ્ટ્રા બસો વિવિધ રૂટ્સ પર દોડાવવામાં આવી રહી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર રાજકોટ ,સુરત, ભાવનગર અને વડોદરા સહિત શહેરોમાં વિવિધ રૂટ્સ પર એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી રહી છે. રક્ષાબંધન પર્વ નિમિત્તે બહેનોને ભાઈના ઘરે જવામાં તકલીફ પડે નહીં તે માટે એસટી નિગમ દ્વારા ગત તારીખ 15 મી ઓગસ્ટ થી 19 મી ઓગસ્ટ સુધી 100 એસટી બસો દોડાવવામાં આવી રહી છે. આ એસટી બસો રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ, દાહોદ, પંચમહાલ, ગોધરા સહિતના વિસ્તારોમાં મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખીને દોડાવવામાં આવી રહી છે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સતત પાંચ દિવસ સુધી એક્સ્ટ્રા બસોનું સંચાલનનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે એસટી નિગમ દ્વારા આ એક્સ્ટ્રા બસોનું સંચાલન દરેક વિભાગે નિયામક દ્વારા નિયત કરાયેલા એસટી ડેપોથી કરવામાં આવી રહ્યું છે. જેમાં ગાંધીનગર ડેપોની કુલ 100 બસોને તબક્કાવાર સતત પાંચ દિવસ સુધી વિવિધ રૂટ્સ પર દોડાવવામાં આવી રહી છે. આ એક્સ્ટ્રા બસો રાજ્યના સૌરાષ્ટ્ર કાઠીયાવાડ, કચ્છ, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં દોડાવાશે. જેમાં દાહોદ, ગોધરા, પંચમહાલ, સુરત, કચ્છ, જામનગર, જુનાગઢ, દ્વારકા, સોમનાથ, વડોદરા, સુરત, નવસારી સહિતના શહેરોમાં જતા મુસાફરોના ઘસારાને ધ્યાનમાં રાખીને આ એક્સ્ટ્રા બસોનું દોડાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં ડેપોમાંથી ગત તારીખ 15મી, ઓગસ્ટના રોજ 10 બસો, 16મી શુક્રવારે 15 બસો, 17મીએ શનિવારના રોજ 25 બસો અને 18મીએ રવિવારના રોજ 40 બસો દોડાવવામાં આવી હતી. જ્યારે આવતી કાલે  19મીને સોમવારે 10 બસોને એક્સ્ટ્રા સંચાલન માટે દોડાવવામાં આવશે.