Site icon Revoi.in

વડોદરાના પૂરગ્રસ્તો માટે રાહત પેકેજ, લારીવાળાને 5000, દુકાનદારોને 20000 મળશે

Social Share

વડોદરાઃ શહેરમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને વિશ્વાનિત્રીના પૂરના પાણી ફરી વળતા શહેરીજનોની માલ મિલ્કતોને ભારે નુકશાન થયું હતું. ત્યારે ગુજરાત સરકાર દ્વારા વડોદરા શહેરના પૂરગ્રસ્તો માટે આજે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. સરકારે મુખ્યમંત્રી રાહત નિધિમાંથી વડોદરા રાહત સહાય પેકેજ આપવાનો નિર્ણય કર્યો છે. આ પેકેજમાં લારી સંચાલકને 5 હજાર, 40 સ્ક્વેર ફૂટ દુકાન ધારકોને 20 હજાર, 40 સ્ક્વેર ફૂટથી મોટી દુકાન ધારકોને 40 હજાર, 5 લાખથી વધુ માસિક ટર્નઓવર ધરાવતા સંચાલકોને 5 લાખની મર્યાદામાં સહાય આપવાનો નિર્ણય કર્યો છે. આ સહાય મેળવવા માટે 31 ઓક્ટોબર સુધી અરજી કરવાની રહેશે. આ ઉપરાંત અન્ય જિલ્લામાં કેન્દ્રની ટીમ સર્વે કરે છે અને એ સર્વે બાદ એસડીઆરએફના નિયમોને આધિન સહાય કરવામાં આવશે.

ગુજરાતમાં પૂર આફતગ્રસ્ત વિસ્તારમાં સહાય માટે તમામ મંત્રી અને મુખ્યમંત્રીએ પોતાના એક પગાર મુખ્યમંત્રી રાહત નિધિમાં આપવાનો નિર્ણય કર્યો છે. વડોદરામાં પૂરગ્રસ્તો માટે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. જેમાં  જે લોકો સહાય માટે અરજી કરશે એટલી મદદ આ પેકેજ હેઠળ કરવામાં આવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક મળી હતી.આ બેઠકમાં રાજ્યની પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા વિચારણા અને સમીક્ષા કરવામાં આવી હતી. આજ રોજ યોજાયેલી બેઠક સંદર્ભે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે વડોદરામાં થયેલા ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ માટે મુખ્યમંત્રી રાહત નિધિમાંથી સહાય પેકેજ આપવાની જાહેરાત કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં ભારે વરસાદને કારણે ઠેરઠેર રસ્તામાં ખાડા પડવાની સંખ્યા વધી છે જેને ઝડપી પુરવાની મુહિમ શરૂ કરી છે. 15 સપ્ટેમ્બર સુધીમાં તમામ ખાડાનું મેટલ પેચ વર્ક પૂરું કરવામાં આવશે. આ ઉપરાંત ડામર પેચ વર્ક પણ કરવામાં આવશે. ઓક્ટોબર માસથી જ્યાં રોડ તૂટ્યા છે ત્યાં રી કાર્પેટિંગ કરવામાં આવશે. ગુજરાતમાં રસ્તાના નેટવર્કમાં તમામ રસ્તા મળીને 1,30,686 કિમીનો છે અને જ્યાં નુક્સાન થયું છે એમાં 4172 કિમી છે. આ પૈકી 2429 કિમીમાં મેટલ પેચ વર્ક પૂરું કર્યું છે. બાકીની 1743 કિમીની કામગીરીમાં કાચા મેટલ પેચ વર્ક કરવામાં આવશે. 81 ડામર પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યા છે.

તેમણે ઉમેર્યુ હતું કે, 17 સપ્ટેમ્બરથી 31 સપ્ટેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં સેવા સેતુની મુહિમનું આયોજન છે. જેમાં 55 સેવાનો લાભ લાભાર્થીઓને એક જ સ્થળ પર આપવાનું આયોજન થયું છે. 2.89 કરોડ લોકોને 9 તબક્કામાં સેવાનો લાભ મળ્યો છે. સ્વચ્છ ભારત મિશનને 14 સપ્ટેમ્બરના રોજ 10 વર્ષ પૂરા થાય છે ત્યારે 14 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા થીમના કાર્યક્રમનું આયોજન કર્યું છે. નદીના વહેણમાં ઊગી નીકળતી વનસ્પતિને કારણે પાણીના વહેણમાં જે તકલીફ થાય છે એના માટે રાજ્ય સરકારે કમિટી બનાવી છે. આ તમામ વોકળા, નદી સાફ કરવાનું આગામી સમયમાં આયોજન છે.