કોરોના વચ્ચે દિલ્હીવાસીઓને રાહતઃ કોરોના ટેસ્ટીંગના ભાવમાં કરાયો ઘટાડો
દિલ્હીઃ કોરોના સંક્રમણના વધતા જતા કેસ વચ્ચે દિલ્હી સરકારે કોરોના ટેસ્ટનો ખર્ચ ઘટાડવાની જાહેરાત કરી છે. જેના કારણે દિલ્હીવાસીઓને રાહત મળશે. કેજરિવાલ સરકારે RT-PCR અને રેપિડ એન્ટિજેન ટેસ્ટના દર ઘટાડવાનો આદેશ આપ્યો છે.
ખાનગી લેબ અથવા હોસ્પિટલમાં RT-PCR ટેસ્ટનો દર રૂ. 300 નક્કી કરવામાં આવ્યો છે, જ્યારે અગાઉ તેની કિંમત રૂ. 500 હતી. ખાનગી લેબ અથવા હોસ્પિટલ દ્વારા આરટી-પીસીઆરના ઘરેલુ સંગ્રહનો દર રૂ. 500 નક્કી કરવામાં આવ્યો છે, જે અગાઉ રૂ. 700 હતો. તે જ સમયે, રેપિડ એન્ટિજેન ડિટેક્શન ટેસ્ટનો દર રૂ. 100 નક્કી કરવામાં આવ્યો છે, જેના માટે અગાઉ રૂ. 300 ચૂકવવાના હતા.
દેશની રાજધાની દિલ્હીમાં 24 કલાકમાં 12,306 નવા કોરોના કેસ નોંધાયા છે જ્યારે પોટિવિટી રેટ 21.48% છે. 24 કલાકમાં દિલ્હીમાં નવા કેસ ઘટ્યા છે અને પોઝીટીવીટી રેટ પણ નીચે આવ્યો છે. જો કે, 24 કલાકમાં અહીં કોરોના ચેપને કારણે 43 દર્દીઓના મોત થયા છે, જે ત્રીજા મોજામાં દિલ્હીમાં એક દિવસમાં મૃત્યુની સૌથી વધુ સંખ્યા છે. દિલ્હીમાં 10 જૂન પછી એક જ દિવસમાં સૌથી વધુ મૃત્યુ નોંધાયા છે. દિલ્હીમાં કોરોનાનું સંક્રમણ ફેલતું અટકાવવા માટે કેટલાક જરૂરી નિયંત્રણો નાખવામાં આવ્યાં છે. હાલ દિલ્હીમાં રાત્રિ કરફ્યુની સાથે વિકએન્ડ કરફ્યુનો અમલ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત કોરોના પીડિતોને યોગ્ય સારવાર મળી તેવી કામગીરી કરવામાં આવી રહી છે. પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે ટેસ્ટીંગમાં પણ વધારો કરવામાં આવ્યો છે.