Site icon Revoi.in

ધાર્મિક ગુરુ આચાર્ય ધર્મેન્દ્ર મહારાજનું જયપુરની હોસ્પિટલમાં નિધન

Social Share

નવી દિલ્હીઃ ધાર્મિક ગુરુ આચાર્ય સ્‍વામી ધર્મેન્‍દ્રએ જયપુરની એસએમએસ હોસ્‍પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેની સારવાર એસએમએસના આઈસીયુમાં ચાલી રહી હતી. તેમને લગભગ એક મહિના પહેલા એસએમએસ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતા. તેઓ આંતરડાની બીમારીથી પીડાતા હતા. આચાર્ય ધર્મેન્દ્ર મહારાજના નિધનથી સાધુ-સંતોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. તેમજ રાજકીય આગેવાનો સહિતના મહાનુભાવોએ તેમને શ્રદ્ધાજંલી પાઠવી હતી. જાણીતા ન્યૂઝ પોર્ટલ રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા)ના જોઈન્ટ મેનેજીંગ ડાયરેક્ટર અમૃતભાઈ આલ અને સમગ્ર રિવોઈ પરિવારે પણ ધર્મેન્દ્ર મહારાજના નિધન અંગે દુઃખ વ્યક્ત કરીને શ્રદ્ધા સુમન અર્પણ કરી હતી. દેશભરમાં હિન્‍દુ સંગઠનો સાથે જોડાયેલા લોકોએ આચાર્ય ધર્મેન્‍દ્રના નિધન પર દુઃખ વ્‍યક્‍ત કર્યું છે.

મહાત્‍મા રામચંદ્ર વીર મહારાજના પુત્ર આચાર્ય ધર્મેન્‍દ્રનો જન્‍મ 9 જાન્‍યુઆરી, 1942ના રોજ ગુજરાતના માલવાડામાં થયો હતો. તેઓ તેમના પિતા મહાત્‍મા રામચંદ્ર વીર મહારાજના આદર્શો અને વ્‍યક્‍તિત્‍વથી પ્રભાવિત હતા. તેઓ વિશ્વ હિન્‍દુ પરિષદના કેન્‍દ્રીય માર્ગદર્શક મંડળમાં રહી ચૂકયા છે. લાલકળષ્‍ણ અડવાણી, મુરલી મનોહર જોશી, કલ્‍યાણ સિંહ, ઉમા ભારતી સાથે રામ મંદિર આંદોલનમાં પણ આચાર્ય ધર્મેન્‍દ્રજીને જોડાયેલા હતા. આચાર્ય સ્‍વામી ધર્મેન્‍દ્રને બે પુત્રો સોમેન્‍દ્ર શર્મા અને પ્રણવેન્‍દ્ર શર્મા છે. આચાર્ય ધર્મેન્દ્ર મહાજારએ શ્રી રામ મંદિર આંદોલનમાં સક્રિય રહીને પોતાનું મહત્‍વનું યોગદાન આપ્‍યું હતું. તેઓ લાંબા સમય સુધી વિશ્વ હિન્‍દુ પરિષદ સાથે જોડાયેલા હતા. થોડા દિવસ પહેલા જ વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ તેમની તબિયત અંગે પૂછપરછ કરી હતી.