અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગામ વડનગરમાં 2800 વર્ષ જૂના માનવ વસવાટનાં પુરાવા મળી આવ્યા છે. આ સંશોધન મુજબ 800 ઇસા પૂર્વ એટલે કે ખ્રિસ્તી યુગ પહેલાના માનવ વસવાટ અવશેષો હોવાનું તારણ નીકળી રહ્યું છે. જેમાં IIT ખડગપુર અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ-ASIના નેતૃત્વમાં છેલ્લાં 7 વર્ષથી અહીં ખોદકામ ચાલી રહ્યું છે, જે દરમિયાન 20 મીટરની ઊંડાઈ સુધી ખોદકામ કરીને ઘણા મહત્ત્વપૂર્ણ પુરાવા એકઠાં કર્યા હતા. આ અંગે પ્રોફેસર ડૉ. અનિન્દ્ય સરકારે કહ્યું કે; વડનગર ભારતનું એકમાત્ર પુરાતત્વીય સ્થળ છે, જ્યાં પ્રારંભિકથી મધ્યયુગીન ઈતિહાસ સંપૂર્ણપણે સચવાયેલો છે અને જેનો ચોક્કસ ઘટનાક્રમ હવે જાણીતો છે.
વડનગરમાં સઘન પુરાતત્વીય ખોદકામનો અભ્યાસ એ પણ સૂચવે છે કે, 3500 વર્ષ દરમિયાન વિવિધ સામ્રાજ્યોનો ઉદય અને પતન તથા તેમજ મધ્ય એશિયાના યૌદ્ધાઓ દ્વારા ભારત પર વારંવાર આક્રમણ થયું હતું. વડનગરમાંથી એક ખૂબ જ જૂનો બૌદ્ધ મઠ પણ મળી આવ્યો છે. આ સ્થળનો ઈતિહાસ ઘણો જૂનો છે. ASI 2016થી અહિયાં કામ કરી રહ્યું છે. પુરાતત્વ વિભાગના નિરીક્ષક મુકેશ ઠાકોરે જણાવ્યું હતું કે; વડનગરમાંથી અત્યાર સુધીમાં એક લાખથી વધુ અવશેષો મળી આવ્યા છે.