લો બોલો, સુરતમાં મનપાના કોર્પોરેટરો અને કર્મચારીઓને વિનામૂલ્યે અપાશે રેમડેસિવિર ઈન્જેકશન
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે રેમડેસિવિર ઈન્જેકશનની માંગ વધી છે. લોકો ઈન્જેકશન લેવા માટે લાંબી લાઈનો લગાવતા હતા. કોરોના પીડિત દર્દીઓ અને તેમના પરિવારજનોને હાલાકી ન પડે તે માટે રેમડેસિવિર ઈન્જેકશનને લઈને સરકાર દ્વારા કેટલાક આકરા નિર્ણય લેવાયાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને તમામ કોર્પોરેટરો અને કર્મચારીઓને વિનામૂલ્યે રેમડેસીવીર ઇન્જેક્શન આપવાની જાહેરાત કરી છે. રેમડેસીવીર ઇન્જેક્શનના કુલ 6 ડોઝ વિનામૂલ્યે આપવામાં આવશે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ક્વોટામાંથી આ ઇન્જેક્શન આપવામાં આવશે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે MOU કરાયા હોય તેવી હોસ્પિટલમાં દાખલ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ અને દર્દીઓને ઇન્જેક્શન આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, કોરોનાની સારવારમાં રેમડેસિવિર ઈન્જેક્શન બહુ જ કારગર હોવાનો દાવો થઈ રહ્યો છે. જેના કારણે આ ઈન્જેક્શનની અછત સર્જાઈ છે. ગુજરાત પણ તેમાંથી બાકાત નથી. ગુજરાતમાં લોકો આ ઈન્જેક્શન માટે ઠેર ઠેર રઝળપાટ કરી રહ્યા છે. બીજી તરફ સુરત મનપાના આ નિર્ણયથી લોકોમાં રોષ ફેલાયો છે.