Site icon Revoi.in

કોરોના ટેસ્ટીંગની પ્રક્રિયા ઝડપી કરવાની સાથે રેમડેસિવિર ઈન્જેકશન સરળતાથી મળવા જોઈએઃ હાઈકોર્ટ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યાં છે. બીજી તરફ કોરોના પીડિતને હોસ્પિટલમાં બેડ નથી મળી રહ્યાં છે. હાઈકોર્ટે કોરોનાની પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરીને સરકારને આડેહાથ લીધી હતી. કોરોનાના ટેસ્ટીંગ અને રેમડેસિવિર ઈન્જેકશન માટે લોકોની લાંબી લાઈનો મુદ્દે સરકારને આડેહાથ લીધી હતી. તેમજ ટેસ્ટીંગની પ્રક્રિયા વધારે ઝડપી કરવા અને રેમડેસિવિર ઈન્જેકશન દર્દીઓના પરિવારજનોને સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવા ટકોર કરી છે.

કેસની હકીકત અનુસાર ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરી હતી. જેની સુનાવણીમાં એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે, કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સરકાર કામગીરી કરી રહી છે. આ ઉપરાંત દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દેશના અન્ય રાજ્યોની સ્થિતિએ ગુજરાતમાં કોરોના મામલે ઝડપી કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ રેમડેસિવિરનું ઉત્પાદન ઓછુ હોવાની પણ રજૂઆત કરી હતી. આ ઉપરાંત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો રેમડેસિવિર ઈન્જેશન મુદ્દે બચાવ કરતા જણાવ્યું હતું કે, સુરતની જનતાને મુશ્કેલી ના પડે ઈન્જેકશન આપવામાં આવી રહ્યાં છે. તેમજ સરકાર લોકોની રોજી રોટી છીનવાઈ ના જાય તે માટે લોકડાઉનના પક્ષમાં નથી.

હાઈકોર્ટે એડવોકેટ જનરલની રજૂઆતને ધ્યાનમાં લઈને સરકાર પાસે તમામ સુવિધાઓ હોવા છતા અછત કેમ સર્જાય છે અને લોકો કેમ હેરાન થઈ રહ્યાં છે તેવો વેધક સવાલ કર્યો હતો. હોઈકોર્ટે કહ્યું હતું કે, સામાન્ય લોકોના ટેસ્ટીંગની પ્રક્રિયા 3થી પાંચ દિવસની છે જ્યારે વીઆઈપી લોકોના ટેસ્ટીંગની પ્રક્રિયા કેમ એક દિવસમાં થાય છે. આ ઉપરાંત ઈન્જેક્શન માટે એક જ એજન્સી ઉપર નિર્ભર રહેવુ પડે છે. ગુજરાતની સ્થિતિ ગંભીર છે અન્ય રાજ્યોમાં શુ થાય છે તેના કરતા ગુજરાતની સ્થિતિ શું છે તે મહત્વનું છે. પ્રજાની સમસ્યા ઉપર સરકારે ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ. સરકારે ટેસ્ટીંગ વધારવું જોઈએ. જ્યારે કેસ ઘટ્યાં ત્યારે જ સરકાર દ્વારા આગોતરુ આયોજન કરવામાં આવ્યું હોય તો હાલ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે ન થતું. કોર્ટને જાણ થઈ છે ઘણી હોસ્પિટલમાં દર્દીઓને એડમિશન આપવાનો ઇન્કાર કરવામાં આવી રહ્યો છે. લોકો રેમડિસિવિર ઈન્જેકશન લેવા માટે લાઈનમાં ઉભા ના રહેવા જોઈએ. લોકો મજા લેવા માટે લાઈનમાં ઉભા નથી રહેતા.