Site icon Revoi.in

આવકના દાખલાંમાં સમયની વિસંગતતા દુર કરાઈ, હવે ત્રણ વર્ષ ચાલશે

Social Share

ગાંધીનગરઃ રાજ્ય સરકારે આવકના દાખલાની સમય મર્યાદા અંગે જે વિસંગતતા હતી તેને દુર કરી દીધી છે. આવકના દાખલા જ્યારે કાઢવામાં આવ્યા હોય ત્યારે એક વર્ષ સુધી જ તે માન્ય રહેશે તેવી સૂચના ગુજરાત સરકારના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા અગાઉ બહાર પાડવામાં આવી હતી જ્યારે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે આ પ્રકારના પ્રમાણપત્રો ત્રણ વર્ષ સુધી માન્ય ગણાશે તેવી જાહેરાત કરાતા અરજદારો અને અમલવારી અધિકારીઓ ભારે મૂંઝવણમાં મુકાયા હતા. વારંવાર જુદા જુદા અર્થઘટનને કારણે ભારે મુશ્કેલ પરિસ્થિતિ ઉભી થવા પામી હતી. આ બાબતે સરકારનું ધ્યાન દોરવામાં આવતા સરકારે હવે આવકના દાખલા ત્રણ વર્ષ માટે વેલીડ કરવાનો નિર્ણય લીધો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં  કોરોનાના કપરા કાળને ધ્યાનમાં રાખીને સરકારના એક વિભાગે આવકના પ્રમાણપત્રની મુદતમાં વધારો કરવાનો નિર્ણય કર્યો હતો અને બીજા વિભાગે પોતાના મૂળ નિર્ણયમાં કોઈ પ્રકારનો ફેરફાર ન કરાતા આ વિરોધાભાસી પરિસ્થિતિ ઉભી થઇ હતી.  દરમિયાનમાં પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના ઉપસચિવ દ્વારા આ સંદર્ભે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો અને જણાવ્યું હતું કે આવકનું પ્રમાણપત્ર જે નાણાકીય વર્ષમાં ઇશ્યુ થયેલ હશે એ નાણાકીય વર્ષ સહિત ત્રણ નાણાકીય વર્ષ સુધી તે માન્ય રહેશે.   નિર્ણયમાં ફેરફાર કરાયા બાદ ભવિષ્યમાં કોઈ સમસ્યા ઉભી ન થાય તે માટે પંચાયત વિભાગે પોતાના નિર્ણયની નકલ ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, મહેસુલ વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને મોકલી આપી છે સાથોસાથ દરેક જિલ્લા કલેકટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ, વિકાસ કમિશનર સહિતનાઓને પણ મોકલવામાં આવી છે.