Site icon Revoi.in

ભાવનગરના બંદરના વિકાસ માટે જેટીનું નવિનીકરણ, કાર્ગો ક્ષમતા વધારવાના પ્રયાસો

Social Share

ભાવનગરઃ શહેરના બારમાસી ગણાતા બંદર ખાતે કાર્ગો હેન્ડલિંગની ક્ષમતા વધારવા માટે ગુજરાત મેરિટાઇમ બોર્ડ (જીએમબી) દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલ કોંક્રિટ જેટીનું નવિનીકરણ અને ક્ષમતા વધારવાનું કામ ચાલી રહ્યું છે. ઉપરાંત ચેનલમાં ડ્રેજીંગની પણ કાર્યવાહી આગામી દિવસોમાં કરવામાં આવશે. જીએમબી દ્વારા ભાવનગર બંદર ખાતે સગવડતાઓના વિસ્તૃતિકરણ માટે જે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, તેના કારણે આગામી સમયમાં ભાવનગર નવા બંદર ખાતે આકાર લેનારા સીએનજી ટર્મિનલની પ્રારંભિક કામગીરી માટે પણ આશિર્વાદ સમાન બની રહેશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગરના નવા બંદર તરીકે ઓળખાતા પોર્ટ પર જેટીના નવિનીકરણ સહિતના કામો ચાલી રહ્યા છે. બંદરના વિકાસની અનેક તકો રહેલી છે. અને ગુજરાત મેરીટાઈમ દ્વારા વિકાસ માટેના કામો કરવામાં આવી રહ્યા છે. બંદર નજીક સીએનજી ટર્મિનલની સ્થાપના માટે અનેક મશિનરીઓ દરિયાઇ માર્ગે જ લાવવી પડે છે, તેના માટે ભાવનગર બંદર ખાતે લો ટાઇડમાં બાર્જને પ્રવેશવાની તકલીફો પડે છે. તેનું નિરાકરણ લાવવાના પ્રયાસરૂપે ચેનલનું ડ્રેજીંગ પણ કરાવવામાં આવશે. કોંક્રિટ જેટીના નવિનીકરણની કામગીરી અંતિમ તબક્કામાં છે, અને નવા બંદર ખાતેના આંતરીક રસ્તાઓ પણ જ્યાં બિસ્માર હાલતમાં છે તેનું નવિનીકરણ કરવાનો નિર્ણય લેવાયો છે.  હાલ નિરમા કંપનીનો લાઇમ સ્ટોન અને કોલસાની આયાત ભાવનગર બંદર ખાતે કરવામાં આવી રહી છે. જેટીનું નવિનીકરણ સંપૂર્ણપણે સંપન્ન થયા બાદ કાર્ગોની ક્ષમતામાં વધારો થઇ શકશે. ઉપરાંત બંદરમાંથી ગંતવ્ય સ્થાન સુધી કાર્ગોનું લોડિંગ, પરિવહન પણ ઝડપી બની જશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ભાવનગરના નવા બંદર ખાતે 1900 કરોડના ખર્ચે સીએનજી ટર્મિનલ આકાર લેવાનું છે. તેની પ્રારંભિક કામગીરીમાં નોટિકલ સર્વે, હાઇડ્રલિક સર્વે, ઓશયનિક સર્વે, ટાઇડલ સર્વે સહિતની કામગીરી માટે હાલની ચેનલની દરિયાઇ હાલતને સુધારવાની આવશ્યક્તા છે. તેને લક્ષમાં રાખી અને ચેનલનું પણ ડ્રેજીંગ કરવામાં આવશે. હાલ બેસિનમાં રગશીયા ગાડાની જેમ ધીમી ગતિએ ડ્રેજીંગ કામગીરી થાય છે તેને પણ ગતિ પ્રદાન કરવાની કામગીરી જીએમબી દ્વારા હાથ પર લેવામાં આવશે.