Site icon Revoi.in

દોઢ હજાર કરતાં વધારે જૂના-અપ્રસ્તૂત કાયદાઓને રદ અને 32 હજારથી વધુ પાલન નાબૂદ કરાયાઃ PM મોદી

Social Share

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાયદા મંત્રીઓ અને કાયદા સચિવોની અખિલ ભારતીય પરિષદના ઉદ્ઘાટન સત્રમાં વીડિયો સંદેશના માધ્યમથી સંબોધન કર્યું હતું. આ સભાને સંબોધન કરતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોંધ્યું હતું કે દેશના તમામ રાજ્યોના કાયદા મંત્રીઓ અને સચિવોની આ નિર્ણાયક બેઠક સ્ટેચ્યુ ઓફ યુનિટીના ભવ્ય સાનિધ્ય હેઠળ યોજાઇ રહી છે, અને તે સરદાર પટેલની જ પ્રેરણા છે જે આપણને આઝાદી કા અમૃત મહોત્સવના આ તબક્કા દરમિયાન આપણને સાચી દિશામાં નિર્દેશ કરીને આપણા લક્ષ્યો પ્રાપ્ત કરવામાં મદદરૂપ થશે. તેમણે વધુમાં કહ્યું કે, દોઢ હજાર કરતાં વધારે જૂના-અપ્રસ્તૂત કાયદાઓને રદ કરવાની સાથે 32 હજારથી વધુ પાલન નાબૂદ કરાયા છે.

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, આપણા જેવા વિકાસશીલ દેશમાં સ્વસ્થ અને આત્મવિશ્વાસુ સમાજ માટે ભરોસાપાત્ર અને ઝડપી ન્યાય પ્રણાલીની જરૂરિયાત છે. દરેક સમાજમાં ન્યાયિક પ્રણાલી અને વિવિધ પ્રક્રિયાઓ તેમજ પરંપરાઓ બદલાતા સમયની જરૂરિયાતો અનુસાર વિકસતી રહી છે. “જનતાને જ્યારે ન્યાય મળતો જોવા મળે છે, ત્યારે બંધારણીય સંસ્થાઓમાં દેશવાસીઓનો વિશ્વાસ મજબૂત થાય છે. અને જ્યારે ન્યાય મળે છે ત્યારે સામાન્ય માણસનો આત્મવિશ્વાસ વધે છે.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે દેશમાં કાયદો અને વ્યવસ્થામાં સતત સુધારા માટે આવી ઘટનાઓ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગળ માહિતી આપી હતી કે, ભારતીય સમાજની વિકાસ યાત્રા હજારો વર્ષ જૂની છે અને આપણે ગંભીર પડકારોનો સામનો કરવા છતાં સતત પ્રગતિ કરી છે. “આપણા સમાજનું સૌથી મોટું પાસું એ છે કે પ્રગતિના માર્ગ પર આગળ વધતી વખતે આંતરિક રીતે પોતાને સુધારવાની વૃત્તિ રાખીએ છીએ.”.

સતત સુધારણાની જરૂરિયાત પર વિશેષ ભાર મૂકતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિર્દેશ કર્યો કે, દરેક વ્યવસ્થાતંત્રની સુચારુ કામગીરી માટે તે અનિવાર્ય જરૂરિયાત છે. “આપણો સમાજ અપ્રસ્તૂત કાયદાઓ અને ખોટા રિવાજોને દૂર કરવાનું ચાલુ રાખે છે. અન્યથા, જ્યારે કોઇપણ પરંપરા રૂઢિચુસ્તતામાં રૂપાંતરિત થઇ જાય છે, ત્યારે તે સમાજ પર બોજરૂપ બની જાય છે.” “દેશની જનતાને ન તો સરકારની ગેરહાજરીનો અનુભવ થવો જોઇએ કે ન તો તેમને સરકાર તરફથી દબાણ થતું હોય તેવો અનુભવવું જોઇએ.”

ભારતના નાગરિકો પર સરકાર દ્વારા કરવામાં આવતા દબાણને દૂર કરવાની બાબત પર વિશેષ ભાર મૂકતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માહિતી આપી હતી કે, છેલ્લાં 8 વર્ષમાં ભારતે આવિષ્કાર અને ઇઝ ઓફ લિવિંગમાં અવરોધો ઊભા કરી રહેલા દોઢ હજારથી વધુ જૂના-પૂરાણા કાયદાઓને રદ કર્યા છે અને 32 હજારથી વધુ પાલનોને નાબૂદ કર્યા છે જેથી કાનૂની અવરોધોનો અંત લાવી શકાય. તેમણે કહ્યું હતું કે “આમાંના કેટલાય કાયદા તો ગુલામીના સમયથી અમલમાં મૂકવામાં આવ્યા હતા.”. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં ઉમેર્યું હતું કે, ગુલામીના સમયથી અમલમાં મૂકવામાં આવેલા ઘણા જૂના કાયદા હજુ પણ રાજ્યોમાં કાર્યરત છે અને આ કોન્ફરન્સમાં આવા કાયદાઓ નાબૂદ કરવાનો માર્ગ ઘડવા માટે આ પ્રસંગે ઉપસ્થિત રહેલા મહાનુભાવોને અનુરોધ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉમેર્યું હતું કે, “આ આઝાદીના અમૃત કાળમાં, ગુલામીના સમયથી ચાલતા કાયદાઓને નાબૂદ કરીને નવા કાયદા ઘડવા જોઇએ.” વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકો માટે ઇઝ ઓફ લિવિંગ અને ઇઝ ઓફ જસ્ટિસ પર ધ્યાન કેન્દ્રીત કરતી વખતે રાજ્યોના વર્તમાન કાયદાઓની સમીક્ષા કરવા તરફ પણ ધ્યાન દોર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોંધ્યું હતું કે ન્યાય આપવામાં થતો વિલંબ એ સૌથી મોટા પડકાર તરીકે સામે આવ્યું છે અને ન્યાયતંત્ર આ દિશામાં અત્યંત ગંભીરતા સાથે કામ કરી રહ્યું છે. વૈકલ્પિક વિવાદ નિરાકરણના વ્યવસ્થાતંતત્ર પર પ્રકાશ પાડતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૂચન કર્યું હતું કે, ભારતના ગામડાઓમાં લાંબા સમયથી તેનો સારો ઉપયોગ કરવામાં આવ્યો છે અને હવે તેને રાજ્ય સ્તરે પ્રોત્સાહન કરી શકાય છે. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, “તેને રાજ્યોમાં સ્થાનિક સ્તરે કાયદાકીય વ્યવસ્થાનો એક ભાગ કેવી રીતે બનાવી શકાય તે આપણે સમજવું પડશે”.