અમદાવાદઃ કેન્દ્ર સરકારના જળ સંશોધન વિભાગ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા રિપોર્ટ મુજબ દેશમાં 351 જેટલી નદીઓ પ્રદુષિત છે. જેમાં ગુજરાતની 20 નદીઓનો સમાવેશ થાય છે. દેશમાં એક તરફ નદીઓના શુદ્ધિકરણ માટે વિવિધ પ્રોજેક્ટ હાથ ધરાયા છે. તો બીજી તરફ ગુજરાતમાં સાબરમતી , નર્મદા, વિશ્વામિત્રી સહિત 20 નદીઓ ખૂબ જ પ્રદૂષિત હોવાનો ખુલાસો થયો છે. જોકે છેલ્લા ઘણા સમયથી સરકાર દ્વારા નદીઓને શુદ્ધિકરણના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. નદીઓમાં ઠલવાતા ગટરના પાણી બંધ કરવામાં આવી રહ્યા છે. ફેક્ટરીઓ અને કારખાનામાંથી નદીઓમાં ઠલવાતા કચરા સામે પગલાં લેવામાં આવી રહ્યા છે. રાજ્યના પ્રદુષણ નિયંત્રણ બોર્ડને પણ સ્રકિય કરવામાં આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્રના જળ સંશોધન વિભાગના રિપોર્ટ મુજબ દેશભરમાં કુલ 351 નદીઓ પ્રદૂષિત છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ સંદર્ભે ડેટા એકત્ર કરવામાં આવ્યો હતો. પાણીની ગુણવત્તાના પરિણામના આધારે સમયાંતરે નદીઓના પ્રદૂષણ અંગે મૂલ્યાંકન કરવામાં આવતું હોય છે. કેન્દ્રના જળ સંશાધન મંત્રાલયે નદીઓમાં પ્રદૂષણને લગતો રિપોર્ટ તૈયાર કર્યો છે. રિપોર્ટ પ્રમાણે, સાબરમતી નદીમાં ખિરોજથી વૌઠા, અમલખાડી નદીમાં પુંગમથી ભરૂચ સુધીનો પટ્ટો પ્રદૂષિત દર્શાવાયો છે. તેજ રીતે ભાદર નદીનો જેતપુર ગામથી સારણ ગામ સુધીનો પટ્ટો, ભોગાવો નદીમાં સુરેન્દ્રનગરથી નાના કેરલ સુધીનો પટ્ટો, ખારી નદીમાં લાલી ગામથી કાશીપુરાનો પટ્ટો વધારે પ્રદૂષિત હોવાનું સામે આવ્યું છે. વિશ્વામિત્રી નદીમાં વડોદરાથી અસોદ, ભાદર નદીમાં ખોતડાથી ચાંદપુરા, ત્રિવેણી નદીમાં ત્રિવેણી સંગમથી બાદલપરાનો પટ્ટો વધુ પ્રમાણમાં પ્રદૂષિત છે. દમણ ગંગામાં કાચીગામથી વાપી, કોલાકમાં કિકરલાથી સેસવાસ, માહી નદીમાં સેવાલિયાથી બહાદૂરપુર, તાપી નદીમાં ખડોદ-બારડોલીથી સુરત, અનાસ નદીમાં દાહોદથી ફતેહપુરા, કિમ નદીમાં સાહોલ બ્રિજ હાંસોલ, મિંઢોળા નદીમાં સચિનનો પટ્ટો અને નર્મદા નદીમાં ગરુડેશ્વરથી ભરૂચ સુધીનો પટ્ટો વધુ પ્રમાણમાં પ્રદૂષિત હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે.