અમદાવાદ મ્યુનિ.ના વિપક્ષના નેતાને બદલવા કોંગ્રેસના 9 કોર્પોટેરોની પ્રદેશ પ્રમુખને રજુઆત
અમદાવાદઃ ગુજરાતમાં કોંગ્રેસ વર્ષોથી સત્તા સ્થાને નથી, તેમ છતાં પક્ષમાં પદ અને હોદ્દો મેળવવા કાયમ માથાકૂટ ચાલતા હોય છે. વિધાનસભાની ચૂંટણીના પરિણામને દોઢેક મહિનો વિતી ગયો હોવા છતાં હજુ કોંગ્રેસ હજુ વિપક્ષપદના નેતા નક્કી કરી શકી નથી. ત્યારે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં પણ વિપક્ષના નેતાપદ માટે હજુ પણ લોબિંગ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્ષ 2021માં ચૂંટણી થઈ હતી જેમાં ભાજપના 160 અને કોંગ્રેસના 24 જેટલા કોર્પોરેટરો ચૂંટાઈ આવ્યા હતા. તત્કાલિન સમયે વિપક્ષ તરીકે કોંગ્રેસના નેતા નક્કી કરવામાં આંતરિક વિખવાદ થયો હતો. જેને લઈ કોંગ્રેસના નેતાઓએ એક એક વર્ષ માટે વિપક્ષના નેતા મુકવા જાહેરાત કરી હતી. જેમાં પ્રથમ વર્ષ માટે દાણીલીમડાના કોર્પોરેટર શહેઝાદખાન પઠાણને વિપક્ષના નેતા તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. 11 જાન્યુઆરી 2023એ વિપક્ષના નેતા તરીકે એક વર્ષ પૂર્ણ થતાં હવે ફરી વિપક્ષના નેતા બનવાને લઈ ચર્ચા શરૂ થઈ છે. કોંગ્રેસના અન્ય જૂથના 10 જેટલા કોર્પોરેટરોની શાહીબાગ વિસ્તારમાં ગુપ્ત બેઠક મળી હતી. ત્યારબાદ પ્રદેશ પ્રમુખ જગદિશ ઠાકોરને રજુઆત કરવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિ.ના કોંગ્રેસના કોર્પોરેટરોની ગુપ્ત બેઠક મળી હતી. ત્યારબાદ પ્રદેશ પ્રમુખને રજૂઆત કરી હતી કે વિપક્ષના નેતા તરીકે એક વર્ષ પૂર્ણ થયું છે તો નવા વિપક્ષના નેતા તરીકે ચાર સિનિયર કોર્પોરેટરમાંથી કોઈ એકની નિમણૂક કરવામાં આવે. જોકે, પ્રદેશ પ્રમુખ તરફથી આગામી દિવસોમાં તેમની સાથે મિટિંગ કરી અને ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવાશે તેમ જાણવા મળ્યું છે. વિપક્ષના નેતા તરીકે હવેના એક વર્ષ માટે ગોમતીપુરના કોર્પોરેટર ઈકબાલ શેખ, ચાંદખેડાના કોર્પોરેટર રાજશ્રીબેન કેસરી અને બહેરામપુરાના કોર્પોરેટર કમળાબેન ચાવડા દાવેદાર છે. જેથી ઉત્તરાયણ બાદ નવા વિપક્ષના નેતાની જાહેરાત કરવામાં આવે છે કે પછી શહેઝાદખાન પઠાણને જ નેતા તરીકે ચાલુ રાખવામાં આવે છે. તે જોવું રહ્યું.
સૂત્રોએ ઉમેર્યું હતું કે,અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષ તરીકે કોંગ્રેસના 24 જેટલા કોર્પોરેટરો છે તેમાં પણ બે જૂથ પડી ગયા હતા. વિપક્ષના નેતા બનવાના આંતરિક વિખવાદમાં ચૂંટણીનું એક વર્ષ પૂર્ણ થઈ ગયું હતું. વિપક્ષના નેતા તરીકેની ખેંચતાણમાં કોંગ્રેસના પ્રદેશના નેતાઓએ છેવટે વચ્ચેનો રસ્તો કાઢ્યો હતો અને વિપક્ષના નેતા તરીકે એક એક વર્ષ માટે કોઈપણ કોર્પોરેટરને મૂકવામાં આવશે તેવી લેખિતમાં બાહેધરી આપી હતી. કોંગ્રેસના સિનિયર નેતાઓની હાજરીમાં બે જૂથ વચ્ચે સમાધાન થયું હતું. સૌપ્રથમ વર્ષ માટે દાણીલીમડાના કોર્પોરેટર શહેજાદખાન પઠાણને વિપક્ષના નેતા તરીકે મૂકવામાં આવ્યા છે. ફરી એકવાર વિપક્ષના નેતાને લઈ ચર્ચાઓ શરૂ થઈ છે ત્યારે ઉત્તરાયણ બાદ વિપક્ષના નેતાને લઈ કંઈક નવા જૂની થાય તેવી શકયતા છે.