- ગુજરાતમાં ભણતા અફ્ઘાનિ વિદ્યાર્થીઓની માંગ
- વિઝા લંબાવવા માટે કરી રજૂઆત
- કેટલાક અફ્ઘાનિ વિદ્યાર્થીઓએ ICCR-ગુજરાત ઓફિસમાં કરી રજૂઆત
અમદાવાદ : અફ્ઘાનિસ્તાનમાં તાલિબાનના કારણે જે રીતેનો માહોલ બન્યો છે તેને લઈને ગુજરાતમાં ભણતા અફ્ઘાનિસ્તાનના વિદ્યાર્થીઓએ પોતાના વિઝા લંબાવવાની ICCR-ગુજરાત ઓફિસમાં રજૂઆત કરી છે. ગુજરાતની યુનિવર્સિટીઓમાં ભણતા અનેક અફઘાની વિદ્યાર્થીઓ હાલની સ્થિતિમાં પોતાના દેશ પાછા જવા માંગતા નથી.
અફઘાનિસ્તાનમાં અંતે તાલીબાને પોતાની સત્તા મેળવી લીધી છે અને આતંકનો સીલસીલો ચાલી રહ્યો છે. અફઘાનિસ્તાનમાં હાલ લોકો મોત સામે ઝઝૂમી રહ્યા છે અને બર્બરતાનો સામનો કરી રહ્યા છે. ઠેર ઠેર ડર અને આતંકનો માહોલ છે.
ભારત સરકારની ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન હેઠળ દર વર્ષે મોટી સંખ્યામાં અફઘાની વિદ્યાર્થીઓ ભારતની યુનિવર્સિટીઓમાં સ્કોલરશિપ લઈને ભણવા આવે છે.જેમાં ગુજરાતની યુનિવર્સિટીઓમાં પણ ઘણા વિદ્યાર્થીઓ પીજીથી પીએચડી સુધીનો અભ્યાસ કરે છે.
હાલ ગુજરાતની વિવિધ યુનિ.ઓ સહિત ભારતની શૈક્ષણિક સંસ્થાઓમાં 158 જેટલાવિદ્યાર્થીઓ આઈસીસીઆર હેઠળ અભ્યાસ કરી રહ્યા છે. જેમાં 99 વિદ્યાર્થીઓ ભારતમાં જ રહીને ઓનલાઈન-ઓફલાઈન અભ્યાસ કરી રહ્યા છે. 25 વિદ્યાર્થીઓ અફઘાનિસ્તાનમાં રહીને ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા છે અને 34 વિદ્યાર્થીઓ છેલ્લા વર્ષમાં છે અને થોડા દિવસોમાં તેઓનો અભ્યાસ પૂર્ણ થશે.