રાજ્યમાં નવ નિયુક્ત થયેલા શિક્ષણ સહાયકોને મેડિકલ લીવ આપવા શિક્ષક સંઘની રજુઆત
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નવનિયુક્ત શિક્ષણ સહાયકો કોરોનાથી સંક્રમિત થઇ રહ્યા છે. નવ નિયુક્ત શિક્ષણ સહાયકો પાસે રજા ન હોવાથી કપાત પગારે રજા મંજૂર કરવામાં આવે છે. આથી આ સહાયકોને મેડિકલ રજા આપવા ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળે શિક્ષણ સચિવને રજૂઆત કરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ તાજેતરમાં ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં આવી હતી. વિષયવાર શિક્ષણ સહાયકોની ભરતી કરવામાં આવતા વિદ્યાર્થીઓના શિક્ષણનો પ્રશ્ન હલ થઇ ગયો છે. પરંતુ હાલમાં કોરોનાનું સંક્રમણ વેગવંતુ છે. ત્યારે રાજ્યભરની અનેક શાળાઓમાં ફરજ બજાવતા નવનિયુક્ત શિક્ષણ સહાયકો સંક્રમણનો ભોગ બની રહ્યા છે. નવ નિયુક્ત ભરતી હોવાથી તેઓની પાસે કોઇ ખાસ રજા પણ જમા નહી હોવાથી તેઓ રજા ઉપર રહેવા માટે કપાત પગારે રહેવાની ફરજ પડે છે. આથી જેટલા દિવસ સુધી શિક્ષણ સહાયક કપાત પગારે રજા ઉપર રહે તેટલા દિવસ સુધી તેની નિમણુંક પાછી ઠેલાય છે. જેના પરિણામે જ્યારે નવ નિયુક્ત શિક્ષણ સહાયકો પાંચ વર્ષે પૂરા પગારની બાંધણી થાય તેઓને તેટલા દિવસનું નુકશાન જાય છે. કેમ કે કપાત પગારે રજા ઉપર રહેવાથી તેટલા દિવસ પછી પુરા પગારનો લાભ આવા નવ નિયુક્ત શિક્ષણ સહાયકો થાય છે.
આથી નવ નિયુક્ત શિક્ષક સહાયકોના હિત અને વર્તમાન કોરોનાના સંક્રમણને જોતા આવા નવ નિયુક્ત શિક્ષણ સહાયકો માટે મેડિકલ રજા આપવાનો આદેશ કરવાની માંગણી સાથે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના પ્રમુખ દિનેશભાઇ ચૌધરી અને ભરતભાઇ પટેલે શિક્ષણ સચિવને લેખિત રજુઆત કરી છે.