વલસાડ : ગુજરાતમાં ધર્માંતરણ સામેનો કાયદો કડક હોવા છતાં ઘણી વખત લાલચ આપીને ધર્માંત્તરણ કરાતું હોવાના કિસ્સા નોંધાતા હોય છે. રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ધર્માંતરણની પ્રવૃત્તિઓ વધી હોવાના સનસનીખેજ આક્ષેપો ઉઠી રહ્યાં છે. વલસાડ જિલ્લા સહકાર ભારતી દ્વારા રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને આ મામલે લેખિત રજૂઆત કરી હતી. વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા અંતરિયાળ આદિવાસી વિસ્તાર છે. જ્યાં છેલ્લા 20 વર્ષથી વટાળ પ્રવૃત્તિને વેગ પકડતાં આજે આ વિસ્તારના લગભગ તમામ ગામોમાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા ચર્ચ બાંધી દેવામાં આવ્યા છે. જેને કારણે આ વિસ્તારમાં તણાવ પણ પરિસ્થિતિ ઊભી થઇ રહ્યો હોવાના આક્ષેપો કર્યા છે. હિન્દુ સંગઠનોએ સરકાર સમક્ષ જિલ્લામાં ચાલી રહેલી ગેરકાયદેસર વટાળ પ્રવૃત્તિ પર રોક લગાવી આ મામલે તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકો અંતરિયાળ આદિવાસી વિસ્તાર છે. આ પહાડી વિસ્તારમાં 95 ટકાથી વધુ વસ્તી ગરીબ અને આદિવાસી સમાજની છે. આ વિસ્તારમાં હજુ વિકાસની મુખ્યધારાથી વંચિત છે. આથી શિક્ષણ અને વિકાસની અન્ય પાયાની સુવિધાઓ ઉણપ જોવા મળી રહી છે. બસ આ જ પરિસ્થિતિનો લાભ લઈ છેલ્લા કેટલાક વર્ષોથી આ અંતરિયાળ અને આદિવાસી વિસ્તાર એવા ધરમપુર અને કપરાડા તાલુકામાં ખ્રિસ્તી મિશનરીઓએ પગપેસારો કર્યો છે.
પરિણામે છેલ્લા 20 વર્ષથી આ આદિવાસી વિસ્તારમાં ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિ વધી રહી છે. પૂર જોશમાં વટાળ પ્રવૃત્તિએ માઝા મૂકતા હવે આ વિસ્તારના તણાવ પૂર્ણ વાતાવરણ ઊભું થઈ રહ્યું છે. આથી વધતી જતી વટાળપ્રવૃત્તિ પર રોક લગાવવા માટે વલસાડ જિલ્લા સહકાર ભારતીના પ્રમુખ વિજય ગોયલ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગૃહમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ લેખિત રજૂઆત કરી હતી. .
કપરાડા અને ધરમપુર જેવા અંતરિયાળ વિસ્તારોમાં જ્યાં 2001 માત્ર 15 થી 20 ચર્ચ હતા. તેના બદલે અત્યારે 20 વર્ષ બાદ ભાજપની સરકાર હોવા છતાં પણ અત્યારે ધરમપુર અને કપરાડા તાલુકાના લગભગ તમામ ગામોમાં 220 વધુ ચર્ચ બંધાઈ ગયા હોવાનો સહકાર ભારતીના પ્રમુખ દાવો કરી આક્ષેપ કરી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે, જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકો સંપૂર્ણ આદિવાસી અને પછાત વિસ્તાર છે.
આઝાદીના આટલા વર્ષો પછી પણ આ વિસ્તારમાં શિક્ષણનો અભાવ અને અન્ય પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. આ વિસ્તારના લોકોની આર્થિક પરિસ્થિતિ પણ નબળી છે. આથી આ વિસ્તારના ભોળા આદિવાસી લોકોની અજ્ઞાનતા અને મજબૂરીનો લાભ લઇ છેલ્લા કેટલાક વર્ષોથી ખ્રિસ્તી મિશનરીઓએ આ વિસ્તારમાં ધામા નાખ્યા છે. પરિણામે છેલ્લા 20 વર્ષમા તાલુકાના લગભગ તમામ ગામોમાં પાકા ચર્ચ બંધાઈ ગયા છે. જોકે નિયમોને નેવે મૂકી અને બની ગયેલા આવા ચર્ચો જે જમીન પર બનાવવામાં આવ્યા છે તેના અંગે પણ તપાસ કરવામાં આવે તેવી વલસાડ જિલ્લા સહકાર ભારતી અને હિન્દુ સંગઠનો માંગ કરી રહ્યાં છે.