Site icon Revoi.in

ગુજરાતમાં બોર્ડ-નિગમોના કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે સરકારને રજુઆત

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્ય સરકારના કર્મચારીઓએ તકનો લાભ લઈને અનેક પડતર પ્રશ્ને ઉકેલવા સરકારનું નાક દબાવ્યું હતું. તત્કાલિન સમયે કેટલાક કર્મચારી સંગઠનોના કેટલાક પ્રશ્નોનું નિરાકરણ કરી દેવાયું હતું. જ્યારે કેટલાક સંગઠનોને પ્રશ્નો ઉકેલવાનું આશ્વાસન અપાયું હતું. વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપે પ્રચંડ બહુમતી મેળવીને સત્તાના સૂત્રો ફરીવાર સંભાળ્યા છે. ત્યારે હવે બોર્ડ-નિગમોના કર્મચારીઓએ તેમને સરકારી કર્મચારી ગણીને સાતમા પગારપંચ સહિત પડતર પ્રશ્નો ઉકેલવાની માગ કરી છે. રાજ્યમાં 32 જેટલા બોર્ડ નિગમોમાંથી પાંચ જેટલા નિગમોના કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ હજુ મળ્યો નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારના વિવિધ કર્મચારીઓના બનેલા મહામંડળે વિધાનસભાની ચૂંટણી પહેલા તેમના પડતર પ્રશ્નોને લઇને આંદોલન કર્યું હતું. આ સમયે રાજય સરકારે પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપી હતી. હવે નવી સરકારે સત્તાનું સુકાન સંભાળી લેતા ગુજરાત રાજય બોર્ડ-નિગમ અને સરકારી સાહસોના કર્મચારી મંડળે મુખ્યમંત્રી સમક્ષ તેમના પડતર પ્રશ્નોને લઇને રજૂઆત કરી હતી. મુખ્યમંત્રી સમક્ષ કરાયેલી રજૂઆતમાં તેમણે એક મહિના પછી વાટાઘાટો કરવાની ખાતરી આપી હોવાનું કહેવાય છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજ્ય વિધાનસભાની ચૂંટણી દરમિયાન રાજ્ય સરકારે જે ખાતરી આપી હતી, તે પૂરેપૂરી પુરી થઇ નથી. રાજ્યના 32 નિગમને સાતમું પગાર પંચ આપ્યું પણ હજુ ગુજરાત ઘેટા ઉન વિકાસ નિગમ અને ગુજરાત રાજય નાણાકીય નિગમ સહિત 5 નિગમને સાતમું પગાર પંચ આપવાનું બાકી છે. આ ઉપરાંત બોર્ડ-નિગમના કર્મચારીઓની મુખ્ય માગણી એવી છે કે, જે રીતે પંચાયતના કર્મચારીઓને સરકારી કર્મચારી સમકક્ષ ગણવામાં આવ્યા છે તે રીતે બોર્ડ-નિગમના કર્મચારીઓને પણ સરકારી કર્મચારી સમકક્ષ ગણીને તે કર્મચારીઓને અપાતા લાભ જેવા જ લાભ આપવા જોઇએ. (file photo)