US કોન્સ્યુલેટ જનરલના પ્રતિનિધિઓએ GTUની લીધી મુલાકાત, શૈક્ષણિક મુદ્દો પર કરી ચર્ચા
અમદાવાદઃ ટેકનિકલ શિક્ષણ ક્ષેત્રે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સમગ્ર દેશમાં આગવી હરોળમાં સ્થાન ધરાવે છે. આ ઉપરાંત ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ખાતે વિદેશી વિદ્યાર્થીઓ પણ પ્રવેશ મેળવે છે. જ્યારે GTUમાંથી ડિગ્રી મેળવેલા અનેક વિદ્યાર્થીઓ વિવિધ દેશોમાં આગામી સ્ટડી અને નોકરીના અનુસંધાને જતાં હોય છે. જેમાં ખાસ કરીને વિદ્યાર્થીઓની પસંદગી અમેરિકા હોવાથી તાજેતરમાં GTU ખાતે યુએસ કોન્સ્યુલેટ જનરલના કોમર્શિયલ ઓફિસર હારોલ્ડ બ્રાયમન અને કોમર્શિયલ સ્પેશ્યાલિસ્ટ અને ઓફિસ ડિરેક્ટર સંગીતા તનેજાએ શુભેચ્છા મુલાકાત લીધી હતી.
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓ એબ્રોડમાં વધુ અભ્યાસ કરીને ઉંચાપદ પર સેવા આપી રહ્યા છે. યુનિવર્સિંટી પણ અવનવા સંસોધન ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે.ત્યારે GTU ખાતે યુએસ કોન્સ્યુલેટ જનરલના કોમર્શિયલ ઓફિસર હારોલ્ડ બ્રાયમન અને કોમર્શિયલ સ્પેશ્યાલિસ્ટ અને ઓફિસ ડિરેક્ટર સંગીતા તનેજાએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. તેમણે GTU ખાતે કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠ અને ડિપાર્ટમેન્ટ ઑફ ઈન્ટરનેશલ રિલેશનના ડાયરેક્ટર ડૉ. કેયુર દરજી સાથે વિદ્યાર્થીઓના શિક્ષણ સંબધીત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020માં કરવામાં આવેલા વિવિધ પરિવર્તનશીલ નિર્ણયો અને તેનાથી થતાં ફાયદાઓ તેમજ દર વર્ષે GTU માંથી 50થી વધુ વિદ્યાર્થીઓ ઈન્ટરનેશનલ એક્સચેન્જ પોલિસી અંતર્ગત કેન્સાસ સ્ટેટ યુનિવર્સિટી ખાતે અભ્યાસ અર્થે જતાં હોવાથી તેમની પ્રવેશ પ્રકિયાથી લઈને તમામ બાબતો અર્થે મુલાકાત દરમિયાન ચર્ચા કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, જીટીયુના વિદ્યાર્થીઓ યુએસ અભ્યાસ કરવા માટે સૌથી વધુ આતુર હોય છે. ત્યારે યુએસ કોન્સ્યુલેટ જનરલની મુલાકાતથી વિદ્યાર્થીઓને ફાયદો થશે.