Site icon Revoi.in

ગાંધીનગર જિલ્લાના પ્રજાસત્તાક દિનની ઊજવણી માણસા ખાતે કરાશે, કલેકટરે આયોજનની સમીક્ષા કરી

Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં પ્રજાસત્તાક દિનના પર્વને ગણતરીના દિવસ બાકી છે, ત્યારે તેની ઊજવણી માટે સરકારી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગાંધીનગર જિલ્લામાં તા. 26 જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઊજવણી માણસ ખાતે કરાશે. ત્યારે પ્રજાસત્તાક પર્વની ઊજવણીના સુચારું આયોજન અર્થે ગાંધીનગર જિલ્લા કલેકટર પ્રવિણા ડી.કે.ના અધ્યક્ષ સ્થાને જિલ્લાના અધિકારીઓની બેઠક મળી હતી. કલેકટરે રાષ્ટ્રીય પર્વની રંગેચંગે ઊજવણી માટે જરૂરી સુચનો પણ કર્યા હતા.

ગાંધીનગર જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને મળેલી  બેઠકમાં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઊજવણી માણસા ખાતે કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપર્વ પ્રજાસત્તાક દિનની ઊજવણી દરમિયાન કોવિડ- 19ની એસ.ઓ.પી.ના માર્ગદર્શનનું સંપૂર્ણ પાલન થાય તે રીતે મહાનુભાવો અને અન્યની સુચારું બેઠક વ્યવસ્થા કરવાનું કલેકટરએ સંબંધિત અધિકારીને સૂચના આપી હતી. તેમજ શહેર અને તાલુકાના લોકો મોટી સંખ્યામાં રાષ્ટ્રીય પર્વના કાર્યક્રમમાં હાજર રહે તે અંગે પણ સુચના આપવામાં આવી હતી.

આ ઉપરાંત કાર્યક્રમના સ્થળે પાર્કિંગ વ્યવસ્થા, પીવાના પાણીની સુવિધા, સુશોભન જેવી વિવિઘ બાબતોની સમીક્ષા કરવામાં આવી હતી. રાષ્ટ્રીય પર્વની ઊજવણી નિમિત્તે પોલીસ જવાનો અને હોમગાર્ડના જવાન દ્વારા પરેડ રજૂ કરવામાં આવશે. તેની સાથે સાથે વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મયોગીઓનું સન્માન કરવામાં આવશે. આ નિમિત્તે જિલ્લાની વિવિઘ શાળાના વિઘાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જિલ્લાની વિવિઘ કચેરીઓ દ્વારા પોતાના ટેબ્લોઝ પણ રજૂ કરવામાં આવશે. પ્રજાસત્તાક પર્વના સુચારું આયોજન માટે મળેલી બેઠકમાં નિવાસી અધિક કલેકટર ભરત જોષી, ડીવાયએસપી અમી પટેલ સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.