લખનૌઃ યુપીના ભાજપના રાજ્યસભા સાંસદ હરનાથ સિંહ યાદવે ઈતિહાસના પુસ્તકોમાં વિભાજન વિભિષિકા દિવસ (14 ઓગસ્ટ)નો સમાવેશ કરવાની માંગ કરી છે. આ અંગે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પણ લખ્યો છે. તેમણે પત્રમાં લખ્યું છે કે, ‘મારી દૃષ્ટિએ વિશ્વની સૌથી ઘાતકી ઘટનાની માહિતી ભારતની વર્તમાન અને ભાવિ પેઢીને આપવી જોઈએ. આ માટે ઈતિહાસના અભ્યાસક્રમમાં વિભાજનની ભયાનકતાને સંકલિત કરીને બાળકોને તે ભણાવવી જરૂરી છે.
બીજેપી સાંસદે પત્રમાં દેશના વિભાજન પર પીએમ મોદીના નિવેદનને પણ ટાંક્યું છે. “તમે પોતે જ કહ્યું હતું કે વિભાજનની પીડા ક્યારેય ભૂલી શકાતી નથી. 14મી ઓગસ્ટના રોજ ઉજવવામાં આવેલ ‘વિભજન વિભિષિકા દિવસ’ આપણને માત્ર ભેદભાવના ઝેરને દૂર કરવા માટે જ પ્રેરિત કરતું નથી, પરંતુ રાષ્ટ્રીય એકતાને પણ મજબૂત બનાવે છે.’
હરનાથ સિંહ યાદવ પત્રમાં વધુમાં લખ્યું હતું કે, દેશના લોકોએ ભાગલા પાછળની પૃષ્ઠભૂમિ અને કારણ જાણવું જોઈએ. તેમણે કહ્યું, ‘દેશની મોટાભાગની વસ્તીનો જન્મ આઝાદી પછી થયો હતો. દેશનું વિભાજન કેમ થયું? વિભાજનની પૃષ્ઠભૂમિ શું છે? વિભાજનની વાસ્તવિકતા શું છે? વિભાજન માટે કોણ જવાબદાર હતું?… આ એવા પ્રશ્નો છે જેના માટે સચોટ માહિતી આપવા માટે વાસ્તવિક સાહિત્ય ઉપલબ્ધ નથી. તેથી તેનો પાઠ્યપુસ્તકમાં સમાવેશ કરવો જોઈએ. વડાપ્રધાન મોદીએ ગયા વર્ષે જાહેરાત કરી હતી કે, લોકોના સંઘર્ષ અને બલિદાનની યાદમાં 14 ઓગસ્ટને ‘વિભાજન વિભિષિકા સ્મારક દિવસ’ તરીકે મનાવવામાં આવશે.
(Photo-File)