ભાવનગરઃ બોટાદ-ગાંધીગ્રામ વચ્ચે બ્રોડગેજ લાઇન ચાલુ થઇ ગયા બાદ પણ ભાવનગરથી ઉપડતી દૈનિક અને સાપ્તાહિક ટ્રેનો વાયા સુરેન્દ્રનગર, વિરમગામ થઇને ચાલે છે. જો આવી ટ્રેનોને વાયા બોટાદ, ધંધુકા થઇને ચલાવવામાં આાવે તો ટ્રેનનો સમય, ઇંધણ તમામની બચત થઇ શકે તેમ છે. પરંતુ ટુકા માર્ગે ટ્રેનને દોડવવાનો ભાવનગર ડિવિઝનના સત્તાધિશોને કોઈ જ રસ નથી.
ભાવનગરથી બોટાદ, ધંધૂકા, ધોળકા, બાવળા, વસ્ત્રાપુર, સરખેજ, ગાંધીગ્રામ, સાબરમતિ, કાળુપુર સુધીની બ્રોડગેજ લાઇન ઉપલબ્ધ છે. ભાાવનગરથી ઉપડતી દૈનિક અને સાપ્તાહિક ટ્રેનો અગાઉ મીટરગેજ લાઇન હતી ત્યારે આ રૂટ પરથી જ ચાલતી હતી. બાદમાં બ્રોડગેજ લાઇન થતા વાયા સુરેન્દ્રનગર, વિરમગામ થઇને અમદાવાદ પહોંચે છે. જે વધારે સમય લેતી હોવાથી અમદાવાદ જતાં પ્રવાસીઓને અનુકૂળ નથી. જો ભાવનગરથી વાયા બોટાદ, ધંધુકા થઈને ટ્રેન દોડાવવામાં આવે તો પ્રવાસીઓને પણ ફાયદો થાય તેમ છે,
સૂત્રોના કહેવા મુજબ બોટાદ-ગાંધીગ્રામ વચ્ચેની બ્રોડગેજ લાઇન થઇ ચૂકી છે, ત્યારે ભાવનગરથી ઉપડતી તમામ સાપ્તાહિક અને દૈનિક ટ્રેનોને વાયા બોટાદથી ચલાવવામાં આવે તો સમય, ઇંધણની બચત થઇ શકે તેમ છે. ભાવનગર-અમદાવાદ વાયા સુરેન્દ્રનગરનું અંતર 300 કિ.મી. છે, જ્યારે વાયા બોટાદથી આ અંતર 267 કિ.મી.નું થઇ જાય છે. આમ ભાવનગરથી ઉપડતી ટ્રેનો વાયા સુરેન્દ્રનગરને બદલે બોટાદ થઇને ચલાવવામાં આવે તો 33 કિ.મી.નું અંતર અને ટ્રેનના સમયમાં 1 કલાકનો ફાયદો થઇ શકે તેમ છે. બોટાદથી જ્યારે મીટરગેજ લાઇન હતી ત્યારે ભાવનગરની બધી ટ્રેનો ઉપરાંત વેરાવળથી ઉપડતી સોમનાથ મેલ, ગીરનાર એક્સપ્રેસ ટ્રેન પણ આ રૂટ પર ચાલતી હતી. હવે ભાવનગર ડિવિઝન તળે આવતી આ બંને ટ્રેનોને પણ વાયા બોટાદથી ચલાવી શકાય તેવા સંજોગો ઉપલબ્ધ બન્યા છે. મુસાફરોને પણ તેઓના મુસાફરીના સમયમાં ઘટાડો થઇ શકે અને રેલવેને ઇંધણની બચત થઇ શકે તેમ છે. ઉપરાંત અમદાવાદમાં ફાજલ પડી રહેતી લાંબા અંતરની રેકને પણ ભાવનગર સુધી વાયા બોટાદ થઇને લંબાવી શકાય તો ભાવનગર જિલ્લાની જનતાને અનેક લાંબા અંતરની ટ્રેનોની સગવડતાઓનો લાભ મળી શકે તેમ છે.