ઉત્તરકાશીમાં સુરંગમાં ફસાયેલા કામદારો માટે બચાવ કાર્ય અંતિમ તબક્કામાં, જલ્દી પોતાના પરિવારને મળશે
દહેરાદૂન – ઉત્તરાખંડમાં સિલક્યારા સુરંગમાં ફસાયેલા કામદારોને માટે બચાવ કાર્ય અંતિમ તબક્કામાં છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે બચાવકર્મીઓ આજે સવારે ટનલમાં ફસાયેલા 41 કામદારો સુધી પહોંચશે. બચાવ અધિકારી હરપાલ સિંહે જણાવ્યું કે રાહત અને બચાવમાં લાગેલા અધિકારીઓએ સુરંગની ઉપરથી ખોદકામ કરીને 44 મીટરની પાઇપ લગાવી છે.
આ સાથે જ બચાવ કર્મીઑને કાટમાળમાં સ્ટીલના કેટલાક સળિયા મળ્યા હતા. NDRFના જવાનો આ સળિયાને કાપી નાખશે ત્યારબાદ મશીનનો ફરીથી ઉપયોગ કરવામાં આવશે. તેમણે આશા વ્યક્ત કરી કે બચાવકર્મીઓ આજે સવારે સાડા આઠ વાગ્યા સુધીમાં સુરંગમાં ફસાયેલા કામદારો સુધી પહોંચવાના પ્રયાસો કરી રહ્યા છે. આ પહેલા ગઈકાલે NDRFના જવાનો ટનલમાં પ્રવેશ્યા હતા.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી કાર્યાલય તરફથી એક નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. સુરંગની અંદરએક એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે અને કામદારોના આરોગ્યની તપાસ કરવા માટે ડૉક્ટરોની એક ટીમ ત્યાં હાજર છે. ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં તૂટી પડેલી સિલ્ક્યારા સુરંગમાં ફસાયેલા 41 મજૂરોને બચાવવા માટેનું બચાવ કાર્ય અંતિમ તબક્કામાં છે. ફસાયેલા કામદારોને આજે ગમે ત્યારે બચાવી લેવામાં આવે તેવી અપેક્ષા છે.
સુરંગમાં ફસાયેલા વ્યક્તિઓના સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે તમામ સંસાધનો તૈનાત કરવામાં આવ્યા છે. આરોગ્ય તપાસ માટે મેડિકલ ટીમો પણ ત્યા હાજર છે. કટોકટીના કિસ્સામાં કર્મચારીઓને એઈમ્સ ઋષિકેશમાં એરલિફ્ટ કરી શકાય છે. દરમિયાન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે ફોન પર વાત કરી અને રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી .
કેન્દ્રીય માર્ગ અને રાજમાર્ગ રાજ્ય મંત્રી જનરલ વીકે સિંહ અને મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી ઘટના સ્થળ પર પહોંચ્યા અને ચાલી રહેલા બચાવ અભિયાનનું નિરીક્ષણ અને સમીક્ષા કરી હતી. ઉલ્લેખનીય છે કે સિલ્ક્યારાથી બરકોટ સુધીની નિર્માણાધીન ટનલનો એક ભાગ આ મહિનાની 12 તારીખે ભૂસ્ખલનને કારણે તૂટી પડ્યો હતો, જેના પગલે 41 મજૂરો અંદર ફસાયા છે.