રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓનું સંશોધન, જુવાર, મકાઈ અને કેળા સહિત 26 નવી જાતો વિક્સાવાઈ
અમદાવાદઃ ગુજરાતમાં મોટાભાગના લોકોનો જીવન નિર્વાહ કૃષિ આધારિત છે. એટલે કે કૃષિથી સૌથી વધુ લોકોને રોજગારી મળે છે, જગતનો તાત ગણાતા ખેડુતોની આવક વધારવા સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગૂણવત્તાલક્ષી અને વધુ ફસલ લઈ શકાય તે માટે રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા અવનવા સંશોધનો પણ કરવામાં આવતા હોય છે. રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ તથા કામધેનુ યુનિવર્સિટી દ્વારા વર્ષ 2022-23 દરમિયાન કરવામાં આવેલા સંશોધન કાર્યોની સમીક્ષા ઓન-લાઇન આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા યોજવામાં આવી હતી. જેમાં આણંદ કૃષિ યુનિવર્સિટી સહિત રાજ્યની અન્ય 4 કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા કરવામાં આવેલા સંશોધન પર ચર્ચા કરાઇ હતી. ચારેય કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા વિવિધ પાકોની 26 જાતો વિક્સાવાઈ છે. તેનાથી ખેડુતોને ફાયદો થશે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ તથા કામધેનુ યુનિવર્સિટીમાં ચાલતા નવા કૃષિ સંશોધનો થકી ખેડૂતો માટે જુદા જુદા પાકોની 26 નવી જાતો ઘણા વર્ષોના સંશોધનો કર્યા બાદ વિકસાવવામાં આવી છે. જેમાં જુવારની બે, કેળાંની બે, હાઇબ્રીડ ભીંડાની બે, કાકડીની 1 તથા મગ સહિત વિવિધ પાકોની જાત વિકસાવવામાં આવી છે. આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર કે.બી કથીરિયાના કહેવા મુજબ તમામ નવી જાતને વિકસાવવામાં ઓછામાં ઓછો 5 વર્ષ તથા વધુમાં 12 થી 13 વર્ષનો સમયગાળો થાય છે. ખેડૂતો માટે કેળાંની 2 નવી જાત વિકસાવી છે તે વધુ ફાયદા કારક રહેશે. તદઉપરાંત ઘાસચારા માટે મકાઈની જાત વિકસાવવામાં આવી છે. ઓનલાઈન વેબ મીટિંગમાં કુલપતિઓ, સંશોધન નિયામકો, લાઇન ડીપાર્ટમેન્ટના અધિકારીઓ તથા કૃષિ વૈજ્ઞાનિકો વર્ચ્યુઅલી હાજર રહ્યા હતા.અને એક્સપર્ટ દ્વારા વધુ વિગતે ચર્ચા કરવામાં આવી હતી.
કૃષિ યુનિ.ના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, આ 26 પાકની નવી જાતને રાજ્યની સ્ટેટ વેરાયટી રીલીઝ કમીટીમાં રજુ કરવામાં આવશે. રજૂ કર્યા બાદ સારા ઉત્પાદન, રોગ અને જીવાત સામે રક્ષણ ધરાવતી પાકની જાતો ખેડૂતો સુધી પહોંચે તે માટે માન્યતા મળ્યા બાદ ખેડૂતો માટે બિયારણનું ઉત્પાદન શરૂ કરવામાં આવશે. બેઠકમાં, વૈજ્ઞાનિકો માટે 159 જેટલી ભલામણો તેમજ જુદી જુદી કમિટીઓ દ્વારા નવા 520 તાંત્રિક પ્રોગ્રામો મંજુર કરવામાં આવ્યા હતા.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજ્યમાં નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા 9 જાત વિકસાવવામાં આવી છે. જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા 7 જાત, દાંતીવાડા કૃષિ યુનિવર્સિ ટીએ 2 અને આણંદ કૃષિ યુનિવર્સિટીએ 8 જાત વિકસાવી છે. જેમાં સૌથી વધુ નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા જાત વિકસાવવામાં આવી છે.