પ્રાકૃતિક કૃષિ ઉપરના સંશોધનો અને નવી ટેકનોલોજીના આવિષ્કારથી કૃષિ ક્ષેત્રને આત્મનિર્ભર બનાવી શકાશેઃ રાજ્યપાલ
અમદાવાદઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભારતના નીતિ આયોગ દ્વારા પ્રાકૃતિક કૃષિ ઉપર યોજાયેલાં નોલેજ શેરીગ વર્કશોપના અધ્યક્ષસ્થાનેથી જણાવ્યુ હતુ કે, પ્રાકૃતિક કૃષિ ઉપરના સંશોધનો અને નવી ટેકનોલોજીના આવિષ્કારથી કૃષિ ક્ષેત્રને આત્મનિર્ભર બનાવી શકાશે. રાજ્યપાલએ રાસાયણિક કૃષિના દુષ્પરિણામોથી બચવા પ્રાકૃતિક કૃષિની હિમાયત કરી જણાવ્યુ હતું કે, પ્રાકૃતિક કૃષિ એ પ્રાકૃતિક વિજ્ઞાન છે. રાસાયણિક ખાતરો કે જંતુનાશકોના ઉપયોગ વિના જંગલમાં વૃક્ષો અને વનસ્પતિ વિકસે છે એ જ પદ્ધતિનો ખેતરમાં ઉપયોગ થાય તે આવશ્યક છે.
રાજ્યપાલએ ઘટતી જતી જમીનની ફળદ્રુપતા અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યુ હતું કે, રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના અંધાધૂંધ ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ક્ષીણ થતી જાય છે ત્યારે જળ, જમીન અને પર્યાવરણની રક્ષા માટે પ્રાકૃતિક કૃષિ આધારસ્તંભ બની રહેશે. એક દેશી ગાયની મદદથી 30 એકર જમીનમાં પ્રાકૃતિક કૃષિ થઇ શકે છે તેની સમજ રાજ્યપાલએ ગુરુકુળ કુરુક્ષેત્રમાં થઇ રહેલી પ્રાકૃતિક કૃષિના શ્રેષ્ઠ પરિણામો દ્વારા આપી હતી. રાજ્યપાલએ પ્રાકૃતિક કૃષિથી કૃષિ ખર્ચમાં ઘટાડો થવાથી અને પ્રાકૃતિક ઉત્પાદનોના ભાવ પ્રમાણમાં વધુ મળતાં હોવાથી ખેડૂતોનો આર્થિક વિકાસ થઇ શકશે તેમ પણ જણાવ્યુ હતુ.
આ પ્રસંગે નીતિ આયોગના ઉપાધ્યક્ષ ડો. રાજીવ કુમારે પ્રાકૃતિક કૃષિને દેશ માટે એક માત્ર શ્રેષ્ઠ વિકલ્પ તરીકે વર્ણવી જણાવ્યુ હતુ કે, જમીના ઘટતાં જતાં ઓર્ગેનિક કાર્બનને પુનઃસ્થાપિત કરવા માટે પ્રાકૃતિક કૃષિ સક્ષમ વિકલ્પ છે. તેમણે પ્રાકૃતિક કૃષિને ખેતરે-ખેતરે પહોંચાડવામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, કૃષિ યુનિવર્સિટીઓ અને દેશની અનુસંધાન સંસ્થાઓની ભૂમિકાને મહત્વપૂર્ણ ગણાવી હતી. સમગ્ર દેશમાં 67 લાખ હેક્ટરમાં પ્રાકૃતિક કૃષિ થઇ રહી હોવાની માહિતી આપી તેમણે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિને વૈજ્ઞાનિક પદ્ધતિ ગણાવી હતી. ડો. રાજીવ કુમારે આ તકે ઇન્ટરનેશનલ એગ્રોઇકોલોજી એલાયન્સની પણ હિમાયત કરી હતી. આઝાદીના 75 વર્ષના અવસરના સંદર્ભે નીતિ આયોગ દ્નારા પ્રાકૃતિક કૃષિ ઉપર યોજાયેલાં આ નોલેજ શેરીંગ વર્કશોપમાં નીતિ આયોગ દ્વારા પ્રાકૃતિક કૃષિની નવી વેબસાઇટનું પણ લોન્ચીંગ કરાયું હતું.