નવી દિલ્હી: દેશમાં મોંઘવારી ઉપર કાબુ મેળવવા માટે ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)એ મે મહિનાથી અત્યાર સુધીમાં 1.40 ટકા જેટલો રેપો રેટમાં વધારો કર્યો છે. દરમિયાન તા. 30મી સપ્ટેમ્બરે રેપો રેટમાં ફરીથી 0.50 ટકાની વૃદ્ધિ થવાની શક્યતા છે. ફુગાવાને કાબુમાં કરવા માટે અમેરિકાના ફેડરલ રિઝર્વ સહિત અન્ય વૈશ્વિક કેન્દ્રીય બેન્કોએ વ્યાજદરોમાં વધારો કર્યો છે. દરમિયાન તેનું અનુકરણ કરીને શુક્રવારે સતત ચોથીવાર વ્યાજદરમાં વધારો કરે તેવી શકયતા છે. રેપો રેટ ચાર ટકાથી વધી 5.40 ટકા પર પહોંચી ચુક્યો છે, જો હવે વધારો થશે તો રેપો રેટ વધીને 5.90 ટકા થઈ જશે.
સુત્રોના જણાવ્યા અનુસાર મે મહિનામાં રેપો રેટમાં 0.40 ટકા તથા જૂન અને ઓગસ્ટમાં તેમાં 0.50-0.50 ટકાનો વધારો થયો હતો. ગ્રાહક ભાવ સૂચકાંક આધારિત રિટેલ ફુગાવામાં મેમાં નરમી આવવા લાગી હતી પરંતુ તે ઓગસ્ટમાં સાત ટકાના દરે પહોંચી ગયો. આરબીઆઈ પોતાની દ્વિવાર્ષિક નાણાકીય નીતિ બનાવતા સમયે રિટેલ ફુગાવા પર ધ્યાન આપે છે. આરબીઆઈના ગવર્નરની અધ્યક્ષતાવાળી નાણાકીય નીતિ સમિતિની ત્રણ દિવસની બેઠક બુધવારે થશે અને રેટમાં પરિવર્તનનો જે પણ નિર્ણય થશે તેની જાણકારી શુક્રવાર 30 સપ્ટેમ્બરે આપવામાં આવશે.
અર્થશાસ્ત્રીઓના મતે, ફુગાવો સાત ટકાના દરે છે અને તેવામાં રેપો રેટમાં વધારો નક્કી છે. રેપો રેટમાં 0.25થી 0.35 ટકાની વૃદ્ધિનો અર્થ છે કે આરબીઆઈને તે વિશ્વાસ છે કે ફુગાવાનો સૌથી ખરાબ સમય પસાર થઈ ચુક્યુ છે. તો વિદેશી મુદ્રા વિનિમય બજારમાં હાલના ઘટનાક્રમોને જોતા રેટમાં 0.50 ટકાનો વધારો પણ થઈ શકે છે. આરબીઆઈનું કામ એ સુનિશ્ચિત કરવાનું છે કે છૂટક ફુગાવો 4 ટકા (બે ટકા ઉપર કે નીચે) રહે.