નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં અનામતને લઈને હોબાળો થઈ રહ્યો છે. લોકોએ રસ્તા પર ઉતરી આવીને સરકાર વિરોધ રોષ પ્રગટ કર્યો છે. તે ઉપરાંત અમુક હિંસક જૂથે પથ્થરમારો પણ કર્યો છે. જોકે આ વખતે બાંગ્લાદેશમાં અનામત માટે સમર્થકો અને વિરોધ પક્ષના લોકો સામસામે આવી ગયા છે. ત્યારે આ ઘમાસાણમાં 100 થી વધુ લોકો ઘાયલ થયા છે. તે ઉપરાંત આ હિંસક હુમલામાં 4 વિદ્યાર્થીઓના મોત થયા હોવાના અહેવાલ છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા અને દેખાવકારો પર લાઠીચાર્જ કર્યો હતો. જોકે આ ઘટનાના મૂળમાં એક અને માત્ર એક સરકારી નોકરીઓમાં અનામત મેળવવા અંગે હિંસક હુમલાઓનું નિર્માણ થયું છે. તો વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ 1971 ના સ્વાતંત્ર્ય સંગ્રામના નાયકોના પરિવારો માટે અનામત ક્વોટા નાબૂદ કરવાની માંગ કરી રહ્યા છે.
2018 માં ક્વોટા સિસ્ટમ નાબૂદ કરવામાં આવી હતી
બાંગ્લાદેશમાં ક્વોટા સિસ્ટમ હેઠળ મહિલાઓ, વિકલાંગ લોકો અને વંશીય લઘુમતીઓ માટે સરકારી નોકરીઓમાં અનામતની જોગવાઈ છે. 2018 માં ક્વોટા સિસ્ટમ નાબૂદ કરવામાં આવી હતી, પરંતુ ગયા મહિને બાંગ્લાદેશ હાઈકોર્ટે 1971 ના હીરોના પરિવારો માટે 30 ટકા ક્વોટા પુનઃસ્થાપિત કરવાનો આદેશ આપ્યો હતો. તેથી તેના વિરોધમાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે અને વિરોધ હિંસક બની ગયો છે.
લોકોના અધિકારો અને સરકારી મિલકતોનું રક્ષણ કરવું પણ જરૂરી
જોકે, બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર વિરોધ પ્રદર્શન પર લગામ મૂકવામાં આવી છે. જોકે અભિવ્યક્તિની સ્વતંત્રતા અને શાંતિપૂર્ણ વિરોધ એ લોકશાહીમાં દરેકનો અધિકાર છે. પરંતુ સરકાર માટે દેશ પ્રથમ આવે છે. લોકોના અધિકારો અને સરકારી મિલકતોનું રક્ષણ કરવું પણ જરૂરી છે. લોકશાહીમાં હિંસા માટે કોઈ સ્થાન નથી.