ભાવનગરઃ ગોહિલવાડમાં સારા વરસાદને કારણે મોટાભાગના જળાશયો છલોછલ બની ગયા છે. જિલ્લામાં એક વર્ષ સુધી પીવાના પાણી અને સિંચાઈ માટેનો પ્રશ્ન નહીં રહે, પુરતું પાણી મળી રહેશે. સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા શેત્રુંજી ડેમની જળસપાટી વધીને 30.3 ફૂટને વટાવી ગઈ છે. આ ઉપરાંત માલણ ડેમમાં 315 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે રંઘોળા ડેમમાં 827 ક્યૂસેક, બગડ ડેમમાં 116 ક્યૂસેક અને જસપરા માંડવા ડેમમાં 145 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. આ ઉપરાંત બોટાદનો કાળુભાર ડેમ પણ છલકાયેલો છે તેમાંથી પણ 800 ક્યૂસેક પાણીની અવર જવર શરૂ હતી. તેમજ બોટાદ જિલ્લાનો ખાંભડા ડેમ પણ છલકાયો છે અને તેમાંથી 142 ક્યૂસેક પાણીની આવન-જાવન શરુ હતી.
ભાવનગર જિલ્લામાં અષાઢ માસમાં સતત વરસાદને લીધે જળાશયોમાં પાણીની ધીમી ગતિએ સતત આવક વધી રહી છે. ભાવનગર જિલ્લામાં મુખ્ય એવા શેત્રુંજી ડેમની સપાટીમાં રોજ ધીમી ગતિએ વધારો થઇ રહ્યો છે. જેમાં છેલ્લાં 24 કલાકમાં 3 ઇંચનો વધારો થયો છે અને ડેમની સપાટી વધીને 30.3 ફૂટને આંબી ગઇ છે. શેત્રુંજી ડેમમાં રવિવારે સવારથી જ પાણીની આવકમાં વધારો થયો હતો અને ઉપરવાસના જળસ્ત્રાવ ક્ષેત્રમાંથી અગાઉ પાણીની આવક 4181 ક્યૂસેક હતી તે આજે ઘટીને 807 ક્યૂસેક થઇ જતા ડેમની સપાટી 24 કલાક અગાઉ 30.0 ફૂટ હતી તે 3 ઇંચ વધીને 30.3 ફૂટ થઇ ગઇ છે. આ ડેમ 34 ફૂટે ઓવરફ્લો થાય છે. આ ડેમ તેની કુલ જળ સંગ્રહ ક્ષમતાના 78 ટકાથી વધુ ભરાઇ ગયો છે.
શેત્રુંજી ડેમ ઉપરાંત ભાવનગર જિલ્લાના માલણ ડેમમાં 315 ક્યૂસેક પાણીની આવક શરૂ હતી જ્યારે રંઘોળા ડેમમાં 827 ક્યૂસેક, બગડ ડેમમાં 116 ક્યૂસેક અને જસપરા માંડવા ડેમમાં 145 ક્યુસેક પાણીની આવક રવિવારે સાંજના સમયે શરૂ હતી. આ ઉપરાંત શેત્રુંજી ડેમની ઉપરવાસમાં ધારી ખાતે આવેલા ખોડિયાર ડેમ છલકાયેલો તે યથાવત્ છે અને 800 ક્યૂસેક પાણીની આવક-જાવક શરૂ હતી. જ્યારે બોટાદનો કાળુભાર ડેમ પણ છલકાયેલો છે તેમાંથી પણ 800 ક્યૂસેક પાણીની અવર જવર શરૂ હતી. તો બોટાદ જિલ્લાનો ખાંભડા ડેમ પણ છલકાયો છે અને તેમાંથી 142 ક્યૂસેક પાણીની આવન-જાવન હતી.