Site icon Revoi.in

ગુજરાતના સરકારી હોસ્પિટલોના રેસિડેન્ટ તબીબોની હડતાળ

Social Share

અમદાવાદ: શહેરની મેડિકલ કોલેજોમાં ફરજ બજાવતા રેસિડેન્ટ ડોક્ટર્સને આપવામાં આવતા સ્ટાઈપેન્ડમાં વધારો કરવાની સરકારની જાહેરાત છતાં ડોક્ટર્સમાં નારાજગી વ્યાપી છે. 20 ટકા સ્ટાઈપેન્ડ વધારા સામે રેસિડેન્ટ ડોક્ટર્સ વિરોધ કરી 40 ટકા સ્ટાઈપેન્ડ વધારાની માંગ કરી રહ્યાં છે. જેના પગલે અમદાવાદની પ્રતિષ્ઠિત બી. જે. મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટર્સએ કામકાજથી અળગા રહી આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. જ્યારે રાજ્યભરની સરકારી હોસ્પિટલોના રેસિડન્ટ તબીબો પણ હડતાળમાં જોડાયા છે.

કોલકાતામાં જુનિયર ડોક્ટર પર રેપ-મર્ડર કેસના વિરોધમાં અગાઉ હડતાળ પર ઊતરેલા રાજ્યભરના રેસિડેન્ટ ડોક્ટરો હવે વધુ એકવાર સ્ટાઈપેન્ડના મુદ્દે આજથી હડતાળ પર ઉતર્યા છે. આ હડતાળ દરમિયાન રેસિડેન્ટ ડોક્ટરો ઈમરજન્સી સહિતની તમામ સેવાઓથી પણ અળગા રહ્યા હતા. ડોક્ટરોનું કહેવું છે કે, ગુજરાત જ વધારે સ્ટાઇપેન્ડ આપતું રાજ્ય નથી દિલ્હી, બિહાર અને યુપીમાં પણ વધારે સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે. અન્ય હોસ્પિટલમાં ડોક્ટરોને સિનિયર દ્વારા દબાવવામાં આવ્યા છે. જેથી હડતાળ નથી કરી. પરંતુ તેઓએ સમર્થન આપ્યું છે. હડતાળને લઈને સિવિલ સુપરિટેન્ડેન્ટ અને બીજે મેડિકલ કોલેજમાં ડીન વચ્ચે બેઠક ચાલી રહી છે. જેમાં JDA પ્રેસિડેન્ટ પણ હાજર હતા.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બીજે મેડિકલ કેમ્પસમાં રેસિડેન્ટ અને ઇન્ટર્ન ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે. સ્ટાઈપેન્ડ મામલે ડોક્ટરોએ હડતાળ શરૂ કરી છે. જ્યાં સુધી સરકાર દ્વારા સ્ટાઈપેન્ડ વધારવાનું તથા સ્ટાઈપેન્ડ દર 3 વર્ષે વધારવાનો નિર્ણય કરવામાં નહીં આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે. એક લાખથી વધુની રકમનું સ્ટાઈપેન્ડ લાંબા સમયથી રેસિડેન્ટ ડોક્ટરોને આપવામાં આવે છે. તેમાં પણ સરકારે 20 ટકાનો વધારો કરીને 1.30 લાખ સુધીનું કર્યું છે. દેશમાં અન્ય રાજ્યોમાં આપતા સ્ટાઈપેન્ડની સામે ગુજરાતમાં રેસિડેન્ટ ડોક્ટરોને અપાતું સ્ટાઈપેન્ડ વધુ છે. વધુમાં અન્ય રાજ્યોમાં ત્રણ વર્ષના બોન્ડ જેની સામે ગુજરાતમાં એક જ વર્ષનો બોન્ડ છે. આ ઇન્ટર્ન અને રેસિડેન્ટ ડોક્ટરોને ભણાવતા કરાર આધારિત પ્રોફેસરો કરતાં વધુ રકમ સ્ટાઇપેન્ડરૂપે આ રેસિડેન્ટ ડોક્ટરોને અપાય છે. હાલ ચોમાસાની સીઝનમાં રોગચાળો પણ વકર્યો છે. આવા સમયે રેસિડન્ટ ડોક્ટરોએ સરકારનું નાક દબાવવાના પ્રયાસો કર્યા છે.

બીજે મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટર એસોસિએશનના પ્રમુખ ધવલ ગામેતીએ જણાવ્યું હતું કે, સતત છેલ્લા છ મહિનાથી સ્ટાઈપેન્ડ વધારા બાબતે આરોગ્યમંત્રી તથા આરોગ્ય વિભાગના અધિકારીઓ સમક્ષ કાયદાકીય રીતે રજૂઆત કરી છે. આ રજૂઆતો મુજબ દર ત્રણ વર્ષે જુનિયર ડોક્ટરોના સ્ટાઈપેન્ડમાં 40% વધારો થતો હોય છે. જેનો આખરી વધારો 1 એપ્રિલ, 2021માં થયો હતો. જેના ત્રણ વર્ષ 31 માર્ચ, 2024ના રોજ પૂર્ણ થયાં હતા. અમારી માગ સરકારના પરિપત્ર મુજબ 1 એપ્રિલ, 2024થી અમારા સ્ટાઈપેન્ડમાં 40%ના વધારા માટે હતી. પરંતુ સ્ટાઈપેન્ડ વધારવામાં પણ 50 ટકાનો કાપ મૂક્યો છે. જેથી અમે હડતાળ કરી રહ્યા છે. અન્ય રાજ્યોની વાત કરવામાં આવે તો દિલ્હી, યુપી અને બિહારમાં પણ વધારે સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે. અન્ય રાજ્યોમાં અનેક સરકારી મેડિકલ કોલેજ છે. જ્યારે ગુજરાતમાં માત્ર 6 મેડિકલ કોલેજ છે. જેમાં 1995 બાદ એકપણ સરકારી મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવી નથી. હડતાળ એ છેલ્લું શસ્ત્ર છે. અમારી વાતચીત થયા બાદ સરકાર પોતાની વાત પરથી ફરી ગઈ છે. અમદાવાદની બીજે મેડિકલ કોલેજ પણ લડવા તૈયાર છે. અન્ય કોલેજમાં સિનિયર ડોક્ટરોએ કામ કરવું પડશે એટલે જુનિયર ડોક્ટરોને દબાવવામાં આવે છે, જુનિયર ડોક્ટરો પાસે કામ કરાવવામાં આવે છે. અમને સમર્થન મળ્યું છે અન્ય સરકારી હોસ્પિટલમાં પણ ડોક્ટરો હડતાળ પર ઊતરશે