અમદાવાદઃ શહેરમાં બોપલ અને ઘૂમા વિસ્તારનો ચાર વર્ષ પહેલા અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં સમાવેશ કરાયો હતો. આ વિસ્તારમાં રોડ-ગટર, સ્ટ્રીટ લાઈટ, સફાઈ સહિત સુવિધા મ્યુનિ. દ્વારા પુરી પાડવામાં આવી રહી છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બોપલ અને ઘૂમાના રહિશોને ત્રણ વર્ષ વેરામાં 25 ટકાથી 35 ટકા સુધી તબક્કાવાર રાહત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે મુદત પૂર્ણ થતાં હવે 2024-25ના વર્ષથી હવે 100 ટકા ટેક્સ ચૂકવવો પડશે.
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં બોપલ-ઘુમા વિસ્તારને મર્જ કર્યાને ચાર વર્ષ થયા બાદ હવે આ વિસ્તારના રહીશોના 40 હજારથી વધારે મકાનો પાસેથી ચાલુ નાણાકીય વર્ષ 2024-25માં 100 ટકા ટેક્સ વસૂલાશે. શહેરમાં ભેળવાયેલા બોપલ-ઘૂમા વિસ્તારોને 3 વર્ષ સુધી ટેક્સમાં 25 ટકાથી લઈને 35 ટકા સુધીની તબક્કાવાર રાહત મળતી હતી. હવે આ બંને વિસ્તારોના 40 હજાર મકાનો પાસેથી મ્યુનિ.ને વધારે 2.5 કરોડ જેટલી રકમ મળે તેવી શક્યતા છે. શહેરમાં નવા જોડાયેલા બોપલ – ઘુમામાં વિકાસના કામો માટે મ્યુનિ.એ દરેક બજેટમાં કેટલાક નવા કામો માટે રકમની ફાળવણી કરવામાં આવે છે. આ વિસ્તારમાં અત્યારે ડ્રેનેજ સિસ્ટમ ડેવલપ કરાઈ છે. સાથે બોરથી ખેંચાતા પાણીને બદલે સરફેસ વોટર આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે માટે જાસપુર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી આ પાણીનો જથ્થો આપવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જોકે કેટલાક વિસ્તારમાં હજુ આજે પણ ડ્રેનેજની યોગ્ય સુવિધા તેમજ વરસાદી પાણીના નિકાલની સમસ્યાનો અંત આવ્યો નથી. કેટલાક વિસ્તારમાં આજે પણ ગટરના પાણી રસ્તા ઉપર વહેતા હોવાની ફરિયાદો મ્યુનિ.ને મળી રહી છે. જેનો ઉકેલ ત્યાં નવી ડ્રેનેજ લાઇન નાંખવાથી થઇ શકે તેમ છે.
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનને બોપલ અને ઘૂમા વિસ્તારનો હાલ વર્ષે 10 થી 12 કરોડ જેટલો ટેક્સ મળી રહ્યો છે. આગામી દિવસોમાં ત્યાં પુર્ણ ટેક્સ મળતાં જ હવે મ્યુનિ.ને 15 કરોડ સુધીનો ટેક્સ મળી શકે તેવી શક્યતા છે.